India's per capita income doubled in eight years
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

2014-15થી ભારતની વાર્ષિક માથાદીઠ આવક વર્તમાન ભાવે બમણી થઈ છે, પરંતુ આવકની અસમાન વહેંચણી એક મોટો પડકાર છે. વર્તમાન ભાવે દેશની માથાદીઠ આવક 2022-23માં વધીને રૂ.1,72,000 થઇ હોવાનો અંદાજ છે, જે 2014-15ના વર્ષમાં રૂ.86,657 હતી. આમ છેલ્લાં આઠ વર્ષમાં તેમાં આશરે 99 ટકાનો વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવી હતી.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) જણાવ્યા મુજબ સ્થિર ભાવે જોઇએ તો ભારતની વાર્ષિક માથાદીઠ આવક 2022-23માં આશરે 35 ટકા વધીને રૂ.98,118 થઈ છે, જે 2014-15માં રૂ.72,805 હતી.

વર્તમાન ભાવે માથાદીઠ આવક બમણી થવા અંગે જાણીતા ડેવલપમેન્ટ ઇકોનોમિસ્ટ જયતી ઘોષે જણાવ્યું હતું કે જો હાલના ભાવે જીડીપીની વિચારણા કરો, પરંતુ ફુગાવાને ધ્યાનમાં રાખો તો આ વધારો ઘણો ઓછો છે. આવકની તમામ લોકોમાં વહેંચણી સૌથી વધુ મહત્ત્વની છે.

દિલ્હીની જેએનયુના ભૂતપૂર્વ પ્રોફેસરે જણાવ્યું હતું કે માથાદીઠ આવકમાં આ વધારાનો મોટાભાગનો લાભ વસ્તીના ટોચના 10 ટકા લોકોને મળ્યો છે. તેનાથી વિપરિત સરેરાશ વેતન ઘટી રહ્યાં છે અને વાસ્તવિક સંદર્ભમાં તે કદાચ નીચા છે. NSOના ડેટા મુજબ કોવિડ સમયગાળા દરમિયાન માથાદીઠ આવકમાં વર્તમાન અને સ્થિર બંને ભાવે ઘટાડો થયો હતો. જો કે, 2021-22 અને 2022-23માં તેમાં તેજી આવી છે.

અગ્રણી ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NIPFPના ભૂતપૂર્વ ડિરેક્ટર પિનાકી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ડિકેટર ડેટા બેઝ મુજબ 2014 થી 2019ના સમયગાળા માટે સ્થિર ભાવે ભારતની માથાદીઠ આવકની સરેરાશ વૃદ્ધિ વાર્ષિક 5.6 ટકા હતી. આ વૃદ્ધિ નોંધપાત્ર છે. આરોગ્ય, શિક્ષણ અને આર્થિક અને સામાજિક ગતિશીલતા સંબંધિત નિષ્કર્ષમાં સુધારો જોવા મળ્યો છે. કોવિડની આપણને ખરાબ અસર થઈ હતી. જો કે,  કોવિડ પછી નોંધપાત્ર આર્થિક રિકવરી જોવા મળી છે.

મોદી સરકારે ગરીબ તરફી અનેક પહેલ કરી છે અને સરકારી યોજનાઓનો લાભ સીધો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પગલાંમાં જનધન ખાતાઓ ખોલવા, મુદ્રા લોન યોજના, ડિજિટાઇઝેશન પર ફોકસ, ફ્રી રાશન જેવા નાણાકીય સર્વસામાવેશિતાના મેગા અભિયાનનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

16 − 16 =