Fugitive businessman Mehul Choksi cannot be brought to India from Antigua
ભારતના ભાગેડૂ મેહુલ ચોક્સીનો ફાઇલ ફોટો (ANI Photo)

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ ફરી જારી કરવા માટે ભારતની તપાસ એજન્સી સીબીઆઇ ઇન્ટરપોલને અનુરોધ કર્યો છે. સીબીઆઇએ જણાવ્યું છે કે આ યાદીમાંથી નામ હટાવવાનો નિર્ણય માત્ર “કાલ્પનિક સંયોગો અને સાબિત ન થયેલા અનુમાનો” પર આધારિત હતો અને તેમાં ગંભીર ખામીઓ અને ભૂલો હતી.

રેડ કોર્નર નોટિસ 195 સભ્ય દેશોની આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર સંસ્થા ઇન્ટરપોલ દ્વારા જારી કરાતી સૌથી ઊંચા સ્તરનો એલર્ટ છે. ભાગેડુ ગુનેગારોને શોધવા અને ધરપકડ કરવા માટે તે જારી કરવામાં આવે છે.

મંગળવારે એક નિવેદનમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ જણાવ્યું હતું કે કમિશન ફોર કંટ્રોલ ઓફ ઇન્ટરપોલ્સ ફાઇલ્સ (સીસીએફ)એ નવેમ્બર 2022માં રેડ નોટિસ યાદીમાંથી ચોક્સીનું નામ દૂર કર્યું હતું. નોટિસ હટાવવાનો અર્થ એ છે કે ચોક્સી મુક્તપણે બહાર મુસાફરી કરી શકશે મેહૂલ ચોક્સી 2018માં ભારતથી ભાગી ગયા પછી એન્ટિગુઆ અને બાર્બુડા છુપાયેલ છે.

તપાસ એજન્સીના મતે ઇન્ટરપોલના પગલાથી ગંભીર પરિણામોની શક્યતા છે. મેહુલ ચોક્સીની ગયા વર્ષની અપીલના આધારે ધ કમિશન ફોર કંટ્રોલ ઓફ ઇન્ટરપોલ્સ ફાઇલ્સ (સીસીએફ)એ ભાગેડુ લોકોની યાદીમાંથી તેનું નામ દૂર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સીસીએફ ઇન્ટરપોલની સ્વતંત્ર સંસ્થા છે, જે ઇન્ટરપોલ સેક્રેટેરિયેટના નિયંત્રણ હેઠળ નથી. તેમાં જુદાજુદા દેશોના ચૂંટાયેલા વકીલોનો સમાવેશ થાય છે. જ્યાં લોકો તેમને ભાગેડુ જાહેર કરવાના નિર્ણયને પડકારી શકે છે. પંજાબ નેશનલ બેન્કના રૂ.૧૩,૦૦૦ કરોડના ફ્રોડમાં ‘વોન્ટેડ’ ચોક્સીની વારંવાર અપીલોને પગલે સીસીએફ દ્વારા નવેમ્બર ૨૦૨૨માં તેનું નામ રેડ લિસ્ટમાંથી હટાવી દેવાયું હતું.

LEAVE A REPLY

2 × four =