Indo-China withdraws troops from patrol points in Ladakh
લડાખમાં ઇન્ડિયન આર્મી અને પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓ (ફાઇલ તસવીર(ANI Photo)

ભારત અને ચીન આર્મીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે પૂર્વ લડાખના ગોગરા હોટસ્પ્રિંગ વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ-15 પરથી સૈનિકો પરત બોલાવવાનું ચાલુ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષથી બંને દેશોના સૈનિકો આ પોઇન્ટ પર આમને-સામને છે.

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની ઉઝબેકિસ્તાનમાં વાર્ષિક શીખર બેઠક પહેલા આ જાહેરાત થઈ હતી. આ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે બેઠક થવાની ધારણા છે, જોકે તેની એકપણ દેશ સત્તાવાર જાહેરાત કરી નથી.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે જુલાઈમાં ઉચ્ચસ્તરીય લશ્કરી મંત્રણાના 16 રાઉન્ડને પગલે ગોગરા-હોટસ્પ્રિંગ એરિયામાંથી સૈનિકોની પાછા બોલાવી લેવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર લેવલની બેઠકના 16માં રાઉન્ડમાં 8 સપ્ટેમ્બર 2022એ સંમતી સધાઈ હતી. આ પછી ભારત અને ચીનના લશ્કરી દળોએ સંકલિત અને યોજનાબદ્ધ રીતે ગોગરા-હોટસ્પ્રિંગ (પીપી-15)ના વિસ્તારમાંથી સૈનિકો પાછા બોલાવવાનું ચાલુ કર્યું છે.

સંરક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ પોઇન્ટ-15 પરથી સૈનિકોને પાછા બોલાવાની પ્રક્રિયા આજે સવારે ચાલુ થઈ હતી અને બંને દેશોના સ્થાનિક કમાન્ડર્સ હવે પછીના પગલાં માટેની રૂપરેખા તૈયાર કરી રહ્યાં છે. બંને પક્ષો બફર ઝોન અથવા નો-પેટ્રોલિંગ એરિયા બનાવે તેવી શક્યતા છે. બીજા વિવાદાસ્પદ પોઇન્ટ્સ પરથી પણ સૈનિકોને પાછા બોલાવી લેવાયા બાદ આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતની આર્મી સૈનિકોને પાછા ખેંચી લેવાની પ્રક્રિયાના અમલનું સંપૂર્ણ વેરિફિકેશન કરશે. એવું માનવામાં આવે છે કે ઉચ્ચસ્તરીય સ્ટડી ગ્રૂપ પૂર્વ લડાખની એકંદર સ્થિતિની સમીક્ષા માટે આગામી થોડા દિવસોમાં બેઠક યોજે તેવી શક્યતા છે. આ ગ્રૂપમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ તથા ત્રણેય લશ્કરી દળોના વડાઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

five × one =