ભારતમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે ભારતી રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે જો મહામારીને અંકુશમાં નહીં લાવવામાં આવે તો તેનાથી માલસામાનનાં પરિવહન પર લાંબા સમય સુધી પ્રતિબંધ લાગી શકે છે અને સપ્લાય ચેનમાં વિક્ષેપ પડી શકે છે. જો આવું થયું તો દેશમાં મોંઘવારી વધી શકે છે. આરબીઆઇના એપ્રિલ બુલેટિનમાં આ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવવ્રતની આગેવાની હેઠળ ટીમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવાનો દર માર્ચ 2021માં વધીને 5.5 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 5 ટકા હતો. ખાદ્ય પદાર્થ અને ઇંધણની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. સરકારે આરબીઆઈને 31 માર્ચ 2026 સુધીમાં ફુગાવો 2 થી 6 ટકાની વચ્ચે રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મહામારી પ્રોટોકોલ, વેક્સિનેશનમાં ઝડપ, હોસ્પિટલો અને તેનાથી જોડાયેલ સેવાઓના વિસ્તરણ સાથે મહામારી પછી મજબૂત અને ટકાઉ વૃદ્ધિ પર ધ્યાન આપવાથી જ આગામી માર્ગ નીકળી શકે છે. કોરોનાની બીજી લહેર દેશમાં કાળો કેર મચાવી રહી છે. જેને કારણે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના ઘણા રાજ્યોએ સ્થાનિક સ્તરે લોકડાઉન કર્યું છે.