પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વભરમાં મોબાઇલ એડવર્ટાઇઝિંગ સર્વિસિસ પૂરી પાડતી ભારતના પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટ અપ ઇનમોબીએ એક બિલિયન ડોલર એકત્ર કરવા આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં આઈપીઓ કરવાની યોજના બનાવી છે, એમ આ યોજનાથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. ઇનમોબી યુનિકોર્ન સ્ટેટસ હાંસલ કરવાની ભારતની પ્રથમ ખાનગી કંપની છે.

કંપની આ કેલેન્ડર વર્ષના ચોથા ક્વાર્ટરના અંત સુધીમાં નાસ્ડેક પર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. તે પોતાનું વેલ્યુએશન 14-15 બિલિયન ડોલર રહેવાની અપેક્ષા રાખે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ગોલ્ડમેન સાકસ, મોર્ગન સ્ટેન્લી અને જેપી મોર્ગન જેવા મર્ચેન્ટ બેન્કરો સાથે સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેમને નિયુક્ત કરી શકે છે. ઈનમોબી પીટીઇ સિંગાપોરમાં રજીસ્ટ્રેશન ધરાવે છે. કંપનીના પ્રવક્તાએ આઇપીઓ બાબતે નિવેદન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે કંપનીના સીઈઓ નવીન તિવારીએ જણાવ્યું હતું કે તે નફો કરી રહ્યા છે અને તેમના કારોબારનો વ્યાપ વધી રહ્યો છે. આ માટે તેમને આઇપીઓ લાવવા એક સારું કારણ જોઈએ. કંપની પોતાની કુલ આવકમાંથી 65 ટકા આવક અમેરિકામાંથી મેળવે છે.