ભારતે ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ પરના પ્રતિબંધને 31 માર્ચ 2021 સુધી લંબાવ્યો છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધની અવધિને વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. આ સમયગાળો પૂરો થતાં સરકારે આ નિર્ણય કર્યો છે. કોવિડ-19 મહામારીને કારણે ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટનું સંચાલન ગયા વર્ષે 23 માર્ચથી બંધ છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ શુક્રવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, સંબંધિત ઓથોરિટીએ 26 જૂન, 2020ના પરિપત્રની અવધિ વધારી દીધી છે. આ હેઠળ ભારતથી અને ભારત માટે આંતરરાષ્ટ્રીય સર્વિસ 31 માર્ચ 2021 ના રોજ 23.59 મિનિટ સુધી પ્રતિબંધિત રહેશે. જો કે, અમુક રૂટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને સંબંધિત સત્તાવાળા કિસ્સાવાર ધોરણે પરવાનગી આપી શકે છે. આ પરિપત્ર અનુસાર આ પ્રતિબંધ ગુડ્સ ફ્લાઈટ અને ડીજીસીએની મંજૂરીવાળી ફ્લાઈટ પર લાગુ નહિં થાય.

ભારતમાં હાલમાં આશરે 27 દેશો સાથે દ્વિપક્ષય એર બબલ એગ્રીમેન્ટ કરેલી છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બહેરિન, બાંગ્લાદેશ, ભુતાન, કેનેડા, યુથોપિયા, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કેન્યા, કુવૈત, માલદિવ્સ, નેપાળ, નેધરલેન્ડ, ઓમાન, કતાર, તાન્ઝાનિયા, યુક્રેન, યુએઇ, બ્રિટન અને અમેરિકા સહિતના દેશોનો સમાવેશ થાય છે.