સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે સોમવાર, 17 જાન્યુઆરીએ ચાલુ થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઓનલાઇન દાવોસ એજન્ડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંબોધન કર્યું હતું. (ANI Photo)

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે સોમવાર, 17 જાન્યુઆરીએ ચાલુ થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઓનલાઇન દાવોસ એજન્ડામાં વિશેષ સંબોધન કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વ માટે રોકાણના આકર્ષક દેશ બની રહ્યો છે. ભારતનો ફોકસ માત્ર પ્રક્રિયાઓને સરળ જ બનાવવાનો નથી, પરંતુ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પણ છે.

મોદીએ જણાવ્યું હતું કે આ અભિગમ સાથે આજે 26 બિલિયન ડોલરની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ્સનો 14 ક્ષેત્રો માટે અમલ કરવામાં આવ્યો છે. ભારતમાં યુનિકોર્નની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ છે. છેલ્લાં 6 મહિનામાં 10,000થી વધુ સ્ટાર્ડ-અપનું રજિસ્ટ્રેશન થયું છે. ભારત આજે વિશ્વમાં વિક્રમજનક સોફ્ટવેર એન્જિનિયર્સ મોકલી રહ્યું છે. ભારતમાં આશરે 50 લાખ સોફ્ટવેર ડેવલપર્સ કામગીરી કરી રહ્યાં છે.

વિદેશી રોકાણને આમંત્રિત કરતાં વડાપ્રધાનને જણાવ્યું હતું કે ભારતના લોકોની ઉદ્યોગસાહસિતા અને નવી ટેકનોલોજી અપનાવવાની ક્ષમતા દરેક વૈશ્વિક ભાગીદારને નવી ઊર્જા આપે છે. તેથી ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ભારત આર્થિક સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. વૈશ્વિક નિષ્ણાતોએ અમારા નિર્ણયોની પ્રશંસા કરી છે અને અમે વૈશ્વિક અપેક્ષાઓને પરિપૂર્ણ કરીશું. સરકારે કોર્પોરેટ ટેક્સને વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તેમાં ઘટાડો કરીને સરળ બનાવ્યો છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દર વર્ષે જાન્યુઆરીમાં દાવોસમાં યોજાય છે, પરંતુ કોરોનાને કારણે આ ઇવેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. આ વખતે 17 જાન્યુઆરથી એક સપ્તાહ લાંબી ઓનલાઇન દાવોસ એજન્ડા નામની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઇવેન્ટમાં જાપાનના વડાપ્રધાન કિશિડા ફુમિયો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ જોકે વિડોડો, ચીનના વડા શી જિનપિંગ સહિતના નેતાઓ વિશેષ સંબોધન કરશે. આ ઇવેન્ટમાં વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે.