રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમ્પસન અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઇપીએલની ટ્રોફી સાથે,(ANI Photo/IPL Twitter)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં આજે (29મે)એ આઈપીએલ ફાઈનલમાં  ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલની ટીમ વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો થશે. 14 વર્ષ પછી ફરી એકવાર ચેમ્પિયન બનવા માટે રાજસ્થાન આતુર છે તો આ આઈપીએલની ટુર્નામેન્ટમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત હોટ ફેવરિટ ટીમ મનાઈ રહી છે. હાર્દિકની ટીમ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચવા માટે આતુર છે.

આજે સાંજે 8 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાશે તે પહેલા ડાન્સ અને મ્યુઝિકના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે બોલિવૂડના સ્ટાર્સ ઉપસ્થિત રહેવાના છે. 1.32 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ RR Vs RCB મેચમાં જોવા મળ્યું હતું અને આ દરમિયાન ટિકિટની કાળાબજારી, પર્સ-મોબાઈલની ચોરી કરનારા ઝડપાયા હતા, આવામાં ફાઈનલમાં સ્થિતિ આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે પોલીસ દ્વારા કેટલાક જરુરી પગલા ભરવામાં આવ્યા છે. 1800થી વધુ પોલીસકર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિમની સુરક્ષા વ્યવસ્થામાં સંભાળશે.

હંમેશાની જેમ આ વખતે પણ IPLની ફાઈનલ મેચ પહેલા ડાન્સ અને સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં બોલિવૂડના કલાકારો પરફોર્મન્સ આપવાના છે. આજના કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપવા માટે એક્ટર રણવિર સિંઘ તથા સંગીતકાર એ આર રહેમાન સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.મેચની બે ઈનિંગ્સ વચ્ચેના ગાળામાં મેદાનમાં દુબઈના બુર્જ ખરીફા પર યોજાય છે તેવા લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 10 જેટલી મિનિટ માટે ચાલનારા આ લેસર શો દરમિયાન IPLના ઇતિહાસની એક ઝલક જોવા મળી શકે છે, આ સાથે દિગ્ગજ ખેલાડીઓને પણ યાદ કરવામાં આવી શકે છે.

કોરોના કાળ બાદ પહેલી વખત યોજાઈ રહેલો આ રંગારંગ સમારંભ આશરે એક કલાક ચાલશે અને રાત્રે ૮.૦૦ વાગ્યાથી ફાઈનલ મુકાબલાનો પ્રારંભ થશે. સ્ટેડિયમમાં સવા લાખથી વધુ પ્રેક્ષકોની હાજરી અનોખું જોશ જગાવશે.

કેપ્ટન હાર્દિક પંડયાના જોશીલા નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સે આઇપીએલમાં ધમાકેદાર એન્ટ્રી મેળવતા ફાઈનલ સુધીની સફર ખેડી છે. હાર્દિકની સાથે રાશિદ ખાન, મીલર, શમી, સહા અને ગિલ તેમજ તેવટિયા જેવા ખેલાડીઓએ ખરા સમયે નિર્ણાયક દેખાવ કરતાં ટીમને ઘણા અસાધારણ કહી શકાય તેવા વિજય અપાવ્યા છે. હવે તેઓ ફાઈનલમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે પ્રભુત્વસભર દેખાવ કરવા માટે ઉત્સુક છે. અન્ય ટીમોની તુલનામાં ગુજરાતની ટીમમાં સ્ટાર ખેલાડીઓ ઓછા છે, પણ તેમણે એક ટીમ તરીકે જોરદાર પર્ફોમન્સ આપતાં ધૂમ મચાવી હતી.

સંજુ સેમસનની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સે પણ આઇપીએલમાં આગવો પ્રભાવ દેખાડયો છે. ઓપનર જોશ બટલરની ઝંઝાવાતી બેટિંગની સાથે સાથે જયસ્વાલ, કેપ્ટન સેમસન, વેડ તેમજ હેતમાયર અને પડિક્કલ અને રિયાન પરાગે પણ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું છે. અશ્વિનનો ઓલરાઉન્ડ દેખાવ પણ નિર્ણાયક બની શકે છે. જ્યારે રાજસ્થાનની બોલિંગ બોલ્ટ, પ્રસિધ ક્રિશ્ના, મેકોય અને સ્પિનર ચહલના સલામત હાથમાં છે.