ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવાર (10 જાન્યુઆરીએ)એ અમદાવાદ આઇપીએલ ટીમના માલિક સીવીસી કેપિટલને ક્લિનચીટ આપી હતી. આની સાથે આઇપીએલ 2022માં અમદાવાદની ટીમને સામેલ કરવાનો પણ માર્ગ મોકળો થયો છે, એમ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

અમદાવાદ આઇપીએલ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, તેનાથી કિક્રેટ બોર્ડે એક કમિટિની રચના કરી તપાસ રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.

હવે અમદાવાદની ટીમ BCCI સાથે IPLનો નવો કોન્ટ્રાક્ટ સાઈન કરે તેવી શક્યતા છે. અમદાવાદની ટીમના હેડ કોચ આશિષ નેહરા અથવા રવિ શાસ્ત્રીમાંથી કોઈ એક બની શકે છે. ટીમના મેન્ટોર તરીકે ગેરી કર્સ્ટેન તથા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી થઈ શકે છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે રૂ.5625 કરોડમાં ખરીદી હતી. CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.