દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સોમવાર, 4 ઓક્ટોબરે ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓ (Sportzpics for IPL/PTI Photo)

સોમવારે દુબઈમાં આઈપીએલના એક રોમાંચક જંગમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવી પોતાનો 10મો વિજય નોંધાવ્યો હતો. આ સાથે, દિલ્હીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું અને ચેન્નાઈને બીજા ક્રમે ધકેલી દીધું હતું. ચેન્નાઈનો આ સતત બીજો પરાજય છે. એકંદરે પણ આઈપીએલમાં હવે એકથી ત્રણ સ્થાન તો લગભગ નિશ્ચિત થઈ ગયા છે, તો હૈદરાબાદ માટે પણ છેલ્લુ – આઠમુ સ્થાન નિશ્ચિત છે, મુંબઈ માટે હવે પ્લે ઓફમાં પહોંચવા કપરા ચઢાણ છે. તે રીતે, કદાચ ફેરફાર થાય તો પાંચમા અને છઠ્ઠા સ્થાનમાં થઈ શકે.

સોમવારની મેચમાં ધોનીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ તે પાંચ વિકેટે 136 રન જ કરી શકી હતી. તે ખાસ પડકારજનક સ્કોર ગણાઈ શકે નહીં, અલબત્ત ધોનીની ટીમ તેને પડકારજનક બનાવવા સક્ષમ હતી, પણ દિલ્હીએ સોમવારે તેને બરાબરની પછડાટ ખવડાવી હતી. રોમાંચક જંગમાં દિલ્હીના ખેલાડીઓએ છેલ્લી ઓવરમાં, બે બોલ બાકી હતા ત્યારે 7 વિકેટે 139 રન કરી ત્રણ વિકેટે મહત્વનો વિજય મેળવ્યો હતો.

ચેન્નાઈ તરફથી અંબાતી રાયડુએ અણનમ 55 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, બાકી તેના નામાંકિત ઓપનર્સ નિષ્ફળ રહ્યા હતા અને ઉથપ્પાએ 19 તથા ધોનીએ 18 રન કર્યા હતા, તો દિલ્હી તરફથી અક્ષર પટેલે બે તથા નોર્ત્જે, આવેશ ખાન અને રવિચન્દ્રન અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં દિલ્હીની તો આખી ઈનિંગ હાલક ડોલક નાવની જેમ આગળ વધતી રહી હતી, ઓપનર 39 અને શિમરોન હેટમેયરના 28 તેના મુખ્ય સ્કોર રહ્યા હતા, પણ આખરે હેટમેયર અને અક્ષર પટેલે ટીમને બરાબરીમાં લાવી દીધી હતી. હેટમેયર અણનમ રહ્યો હતો, તો વિજયી રન માટે રબાડાએ મેદાનમાં આવી પહેલા જ બોલે ચોગ્ગો મારતાં દિલ્હીનો વિજય થયો હતો. અક્ષર પટેલને તેની બે મહત્ત્વની વિકેટ માટે મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.