શારજહા ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવાર, 11 ઓક્ટોબર 2021ના રોજ રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયમર લીગ એલિમિનેટર ક્રિકેટ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સના હર્ષલ પટેલે વિકેટ લીધા બાદ સાથી ખેલાડી શુબમન ગિલ સાથે ઉજવણી કરી હતી. (PTI Photo/Sportzpics)

સોમવારે શાહજાહમાં રમાયેલી આઈપીએલ 2021ની પહેલી એલિમિનેટરમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવતા કોલકાતા નાઈટ રાઈડર્સની આગેકૂજ નિશ્ચિત બની હતી. બુધવારની બીજી એલિમિનેટર – લગભગ સેમિફાઈનલ જ ગણાય તેવી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે તેનો મુકાબલો થશે. પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે સીધા ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

સોમવારની મેચમાં પરાજય પછી હવે કોહલી સુકાનીપદેથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો હોવાથી સુકાની તરીકે આઈપીએલનું ટાઈટલ હાંસલ કરવાની તેની મહેચ્છા અધુરી જ રહી ગઈ હતી. બેંગ્લોર માટે મુખ્ય મુશ્કેલી વેસ્ટ ઈન્ડિઝના સુનિલ નરિને સર્જી હતી, તેણે 21 રનમાં ચાર વિકેટ ખેરવી હતી તેમજ 15 બોલમાં 26 રન કર્યા પછી તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

કોહલીની બેંગ્લોરની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને તેણે 20 ઓવર્સમાં 7 વિકેટે 138 રન કર્યા હતા. ઓપનર્સ પડિક્કલ અને સુકાની વિરાટ કોહલીએ ટીમને સૌથી સારી ભાગદારી – 5.1 ઓવર્સમાં 49 રનની આપી હતી. પડિકક્લે 18 બોલમાં 21 અને કોહલીએ 33 બોલમાં 39 કર્યા હતા. એ પછી કોઈ બેટર ખાસ કઈં કરી શક્યો નહોતો. સુનિલ નરિને કોહલી, ગ્લેન મેક્સવેલ, એ બી ડીવિલિયર્સ તથા વિકેટકીપર એસ. ભરતની વિકેટો ઝડપી હતી, તો લોકી ફરગ્યુશને બે વિકેટ લીધી હતી.

તેના જવાબમાં કોલકત્તાએ 20મી ઓવરમાં બે બોલ બાકી હતા ત્યારે 6 વિકેટે 139 રન કરી બુધવારના સેમિફાઈનલ સમા જંગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. કોલકાતા તરફથી પણ ઓપનર્સે ટીમને સૌથી મોટી ભાગીદારી આપી હતી. 5.2 ઓવર્સમાં શુભમન ગિલ તથા વેંકટેશ ઐયરે 41 રન કર્યા હતા. ગિલે 29 અને ઐયરે 26 રન કર્યા હતા, તો નરિને પણ 26 તથા નિતિશ રાણાએ 23 રન કર્યા હતા. મોહમમ્દ સિરાજ, જ્યોર્જ ગાર્ટન અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી. આ પહેલા રવિવારે (10 ઓક્ટોબર) રમાયેલી છેલ્લી લીગ મેચમાં આ વર્ષની ટોપ ટીમ દિલ્હી કેપિટલ્સને હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એકવાર આઈપીએલની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પોઈન્ટ્સ ટેબલની ટોપર દિલ્હીને સેમિફાઈનલ જેવી ગણાતી બીજી ક્વોલિફાયર મેચમાં રમવું પડશે.

રવિવારે દિલ્હી કેપિટલ્સે પાંચ વિકેટે 172 રન કર્યા હતા, જેમાં ઓપનર પૃથ્વી શોના 60 તથા સુકાની ઋષભ પંતના અણનમ 51 રન મુખ્ય હતા, તો ચેન્નાઈ તરફથી દીપક ચાહરે બે તથા રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને બ્રાવોએ એક-એક વિકેટ લીધી હતી.

પડકારજનક કહી શકાય તેવા આ સ્કોર સામે પણ ચેન્નાઈનો સુકાની ધોની ફરી રંગમાં આવ્યો હતો અને છેલ્લી ઓવરમાં મોઈન અલીના આઉટ થયા પછી બાકીના પાંચ બોલમાં 13 રન કરી ટીમ માટે મહત્ત્વનો વિજય હાંસલ કર્યો હતો. 50 બોલમાં 70 રન બદલ ઓપનર ઋતુરાજ ગાયકવાડને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. રોબિન ઉથપ્પાએ 44 બોલમાં 63 રન કર્યા હતા, તો મોઈન અલીએ પણ 12 બોલમાં 16 રનનો ફાળો આપ્યો હતો.
દિલ્હી તરફથી ટોમ કરને ત્રણ તથા નોર્ત્જે અને આવેશ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.