આઇપીએલની 15 સિઝનની અમદાવાદ સ્ટેડિયમ ખાતે રવિવાર, 29મેએ યોજાયેલી ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપીને ચેમ્પિયનનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. (ANI Photo/Gujarat Titans Twitter)

આઈપીએલ 2022નો શાનદાર આરંભ કર્યા પછી લગભગ ટુંકાગાળાને બાદ કરતાં સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રથમ ક્રમ જાળવી રાખનારી લીગની બે નવોદિત ટીમોમાંની એક, ગુજરાત ટાઈટન્સ રવિવારે (29 મે) ફાઈનલમાં રાજસ્થાન સામે ભવ્ય વિજય સાથે ચેમ્પિયન બની હતી. ગુજરાતની ટીમના ગુજરાતી સુકાની હાર્દિક પંડ્યાએ ઉમદા દેખાવ અને કાબેલ નેતૃત્ત્વ દાખવી પહેલા જ વર્ષે ટીમને ટાઈટલ વિજેતાનો તાજ પહેરાવ્યો હતો અને ભારતીય ટીમમાં સ્થાન માટેનો પોતાનો દાવો મજબૂત બનાવ્યો હતો.

ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સની ટીમને રૂ. 20 કરોડનું ઈનામ મળે છે, તો રનર્સ અપ તરીકે રાજસ્થાન રોયલ્સને રૂ. 12.50 કરોડ મળે છે. ત્રીજા ક્રમે રહેલી બેંગલોરને સાત કરોડ તથા ચોથા ક્રમે રહેલી લખનૌને રૂ. 6.5 કરોડ મળે છે.
રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમસને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ગુજરાતની વેધક બોલિંગ સામે રાજસ્થાનની ટીમ 9 વિકેટે ફક્ત 130 રન કરી શકી હતી. ઓપનર્સ યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરને બાદ કરતાં કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જયસ્વાલે અતિ ઝડપી – 16 બોલમાં 22 રન કર્યા હતા અને તે પહેલો વિદાય થયો હતો. બટલર થોડું ટકી રહ્યો હતો અને તે રમતો હતો ત્યાં સુધી ટીમને સારા સ્કોરની આશા હતી, પણ તે ચોથી વિકેટરૂપે વિદાય થયો એ પછી બાકીના બેટ્સમેન 7.9 ઓવર્સમાં ફક્ત 51 રન ઉમેરી શક્યા હતા. બટલરે 35 બોલમાં 39 રન કર્યા હતા અને સુકાની હાર્દિક પંડ્યાએ તેને વિકેટકીપરના હાથમાં સપડાવી દીધો હતો.

પંડ્યાએ ચાર ઓવર્સમાં 17 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, તો સાઈ કિશોરે તો ફક્ત બે ઓવર્સમાં 20 રન આપી બે વિકેટ લીધી હતી. રશીદ ખાને ચાર ઓવરમાં ફક્ત 18 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. યશ દયાલે પણ ત્રણ ઓવરમાં ફક્ત 18 રન આપી એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શામી મોંઘો સાબિત થયો હતો અને ફક્ત એક વિકેટ લઈ શક્યો હતો.
જવાબમાં રાજસ્થાનના બોલર્સે પણ ધારદાર બોલિંગ કરતાં ગુજરાતના બેટ્સમેન માટે વિજય સાવ આસાન તો નહોતો જ રહ્યો. ટાર્ગેટ હાંસલ કરવામાં ગુજરાતે પણ 18.1 ઓવર રમવું પડ્યું હતું, જો કે ગુજરાત ફક્ત ત્રણ વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલના અણનમ 45 અને ડેવિડ મિલરના અણનમ 32 મહત્ત્વના હતા, તો સુકાની હાર્દિક પંડ્યાએ 34 રન કર્યા હતા.
પંડ્યાને તેના ઓલરાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જો કે, આઈપીએલની ફાઈનલમાં પ્લેયર ઓફ ધી મેચનો તાજ હાર્દિકે પાંચમીવાર ધારણ કર્યો છે. રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે આ વર્ષે
ચાર સદી સાથે 17 મેચમાં 836 રન કરી શ્રેષ્ઠ બેટિંગ બદલ ઓરેન્જ કેપ પ્રાપ્ત કરી હતી, તો યુઝવેન્દ્ર ચહલે 17
મેચમાં 27 વિકેટ ખેરવી શ્રેષ્ઠ બોલિંગ બદલ પર્પલ કેપ મેળવી હતી. આ બન્ને ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સની ટીમના છે.

આ અગાઉ, ગયા સપ્તાહે કોલકાતામાં રમાયેલી ક્વોલિફાયર વનમાં ગુજરાત અને રાજસ્થાનનો જ મુકાબલો થયો હતો, તેમાં ગુજરાતે સાત વિકેટે વિજેતા રહ્યું હતું. 24મેએ રમાયેલી મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 188 રન કર્યા હતા. જવાબમાં ગુજરાતે છેલ્લી ઓવરમાં ત્રણ બોલ બાકી હતા ત્યારે ત્રણ વિકેટે 191 રન કરી સીધો ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાનને ક્વોલિફાયર ટુ રમવાની તક મળી હતી.

એ પછીના દિવસે રમાયેલી એલિમિનેટર મેચમાં બેંગલોરે લખનૌને 14 રને હરાવ્યું હતું. બેંગલોરે પહેલા બેટિંગ કરતાં ચાર વિકેટે 207 રન કર્યા હતા. જવાબમાં લખનૌ છ વિકેટે 193 રન સુધી જ પહોંચી શક્યું હતું.
એક દિવસના વિરામ પછી અમદાવાદમાં શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર ટુમાં રાજસ્થાને બેંગલોરને 7 વિકેટે હરાવી દીધું હતું. બેંગલોરે પહેલી બેટિંગ લઈ 8 વિકેટે 157 રન કર્યા હતા, જવાબમાં રાજસ્થાને 18.1 ઓવરમાં જ ત્રણ વિકેટે 161 રન કરી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.