ભારતીય વિકેટકિપર બેટર ઋષભ પંતને આઈપીએલ 2025ની હરાજીમાં લખનઉ સુપર જાયન્ટ્સે અધધધ રૂપિયા ૨૭ કરોડની ઓફરથી ખરીદી લેતાં તે આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘા ક્રિકેટર બની ગયો હતો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી બે દિવસની હરાજીના પ્રથમ દિવસે પંતે મૂલ્યમાં રેકોર્ડ કર્યો હતો.
તે પહેલા જ પંજાબ કિંગ્સે ગત સિઝનના કોલકાતા બેટર શ્રેયર ઐયરનો સોદો રૂપિયા ૨૬.૭૫ કરોડમાં કર્યો હતો. આઇપીએલના અત્યારસુધીનો સૌથી મોંઘા ખેલાડીનો મિચેલ સ્ટાર્કનો રૂપિયા ૨૪.૭૫ કરોડનો રેકોર્ડ તુટી ગયો હતો.
નવા નિયમો અંતર્ગત યોજાયેલી આઇપીએલની હરાજીમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને હરાજીમાં જેકપોટ લાગ્યો હતો. તેની જ કોલકાતાની ટીમે ભારે રસાકસી પછી રૂપિયા ૨૩.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો.
ઈંગ્લેન્ડનો જોશ બટલર પ્રથમ દિવસે સૌથી મોંઘો વિદેશી ખેલાડી રહ્યો હતો, તેને ગુજરાત ટાઈટન્સે રૂપિયા ૧૫.૭૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હૈદરાબાદની ટીમે ફાસ્ટ બોલર અર્ષદીપને રૂપિયા ૧૮ કરોડમાં ખરીદ્યો હતો. જોકે પંજાબની ટીમે તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેને પોતાની ટીમમાં પાછો સમાવી લીધો હતો.
આઇપીએલની હરાજીમાં ૨૦ ખેલાડીઓને જુદી-જુદી ફ્રેન્ચાઈઝીએ રૂપિયા ૧૦ કરોડ કે વધુ રકમની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
બીજા દિવસે રાજસ્થાન રોયલ્સે 13 વર્ષના એક ખેલાડી, વૈભવ સૂર્યવંશીને રૂ. 1.1 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો, તો અનેક દિગ્ગજ ખેલાડીઓને કોઈ લેવાલ મળ્યા નહોતા. સૌરાષ્ટ્રના ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે આઈપીએલમાં એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો હતો. 2025 માટે સનરાઈઝર્સ હૈદ્રાબાદે તેને રૂ. એક કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. ઉનડકટનો વિશિષ્ટ રેકોર્ડ એ છે કે તેના માટે આ 13મી સફળ હરાજી રહી છે. અત્યારસુધીમાં આટલી સંખ્યામાં હરાજીમાં ઉતર્યો હોય અને લેવાલ મળ્યા હોય તેવો બીજો કોઈ ખેલાડી નથી. વધુમાં વધુ કોઈ ખેલાડીને સાત હરાજીમાં લેવાલ મળ્યા છે, તો ઉનડકટ આઈપીએલની જુદી જુદી સાત ટીમ તરફથી રમી ચૂક્યો છે.