IPL 2022ની કોલકાતાના ઇડન ગાર્ડનમાં બુધવારે રમાયેલી એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોરે લખનઉ સુપર જાયન્ટસને 14 રને હરાવી ક્વોલિફાયર 2માં સ્થાન મેળવ્યું છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન જ બનાવી શકી હતી.
રજત પાટીદારે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારતા 54 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમની જીતનો હીરો બન્યો. આ જીત સાથે બેંગ્લોર હવે ક્વોલિફાયર 2માં પહોંચી ગઇ છે, જ્યાં તેનો મુકાબલો 27 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે થશે.
આરસીબીએ પાટીદારના 54 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી અણનમ 112 રન અને દિનેશ કાર્તિક (અણનમ 37) સાથે પાંચમી વિકેટ માટે માત્ર 6.5 ઓવરમાં 92 રનની અતૂટ ભાગીદારીથી ચાર વિકેટે 207 રન બનાવ્યા હતા. પાટીદારે વિરાટ કોહલી (25) સાથે બીજી વિકેટ માટે 66 રન પણ જોડ્યા હતા. ડેથ ઓવર્સમાં પાટીદાર અને કાર્તિકે તોફાની બેટિંગ કરી હતી, જેના લીધે આરસીબીની ટીમ છેલ્લી પાંચ ઓવરમાં 84 રન બનાવવામાં સફળ રહી હતી. વર્તમાન સિઝનમાં સદી ફટકારનાર પાટીદાર ચોથો બેટ્સમેન છે.
કેપ્ટન લોકેશ રાહુલ (79)ની અડધી સદી અને દીપક હુડા (45) સાથે ત્રીજી વિકેટની 96 રનની ભાગીદારી છતાં સુપર જાયન્ટ્સની ટીમ 207 રનના જવાબમાં છ વિકેટે 193 રન જ બનાવી શકી હતી. આરસીબી તરફથી જોશ હેઝલવુડે 44 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી.