ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ રવિવાર, 28 ફેબ્રુઆરી 2021ના રોજ શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી બ્રાઝિલના સેટેલાઇટ એમેઝોનિયા-1ને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પરિભ્રમણકક્ષામાં મૂક્યો હતો. (PTI Photo)

ઈસરોએ રવિવારે સવારે 10.24 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ સેન્ટરથી પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ PSLV-C51ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. PSLV-C51ની સાથે બ્રાઝિલના ઉપગ્રહ અમેઝોનિયા-1 અને બીજા 18 સેટેલાઈટને અંતરિક્ષમાં ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા.

આમાંથી ચેન્નાઇ સ્થિત સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા (એસકેઆઇ)ના એક ઉપગ્રહમાં ભગવદ ગીતાની ઇ-કોપી (Secured Digital card format) હતી તથા તેની પેનલ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોતરેલી તસવીર પણ હતી. એસકેઆઇએ જણાવ્યું હતું કે સ્પેસ સેક્ટરના ખાનગીકરણ અને આત્મનિર્ભર ભારતની પહેલને સમર્થન આપવા માટે સ્પેસફ્રાક્ટની ટોપ પેનલ પર મોદીની તસવીર રાખવામાં આવી હતી.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું આ વર્ષનું આ પ્રથમ મિશન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રથમ કોમર્શિયલ લોન્ચ મિશન માટે ઇસરોને ધન્યવાદ આપ્યા હતા.

ઈસરોના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે PSLV-C51, PSLVનું 53મું મિશન છે. આ રોકેટ દ્વારા બ્રાઝિલના અમેઝોનિયા-1 ઉપગ્રહ સાથે 18 અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે સેટેલાઈટ સિવાય ભગવત ગીતાની એક ઈલેક્ટ્રોનિક કોપી પણ અંતરીક્ષમાં મોકલી છે.

ઈસરોના નિવેદન પ્રમાણે આ રોકેટને હરિકોટાથી લોન્ચ કર્યું છે. PSLV-C51ને 28 ફેબ્રુઆરીની સવારે 10.24 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. અમેઝોનિયા-1ને સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. PSLV-C51 ન્યૂ સ્પેસ ઇન્ડિયા (એનએસઆઇએલ)નું પ્રથમ કોમર્શિયલ મિશન હતું. આ કંપની ઇસરોનું કોમર્શિયલ મિશન છે.