Jagdeep Dhankhar and Narendra modi
વડાપ્રધાન મોદી ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના નિવાસસ્થાને જગદીપ ધનખડને મળ્યા હતા અને બુકે આપ્યો હતો. (ANI Photo/ PIB)

સત્તાધારી ભાજપના  વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર જગદીશ ધનખડ વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવીને ભારતના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શનિવારે ચૂંટાઈ આવ્યા છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ધનખડને 528 મત મળ્યા હતા, જ્યારે આલ્વાને 182 મત મળ્યા હતા. ધનખડનું વિજયી માર્જિન 1997 પછીથી સૌથી વધુ હતું. તેમને 74 ટકા મત મળ્યા હતા.

ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદ વિવિધ વર્ગો તરફથી અભિનંદનની વર્ષા થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને આલ્વાએ ધનખડને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ધનખડના જાહેર જીવનમાં લાંબા અને સમૃદ્ધ અનુભવથી દેશને લાભ થશે.

ધનખડ 11 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેના એક દિવસ પછી હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાઇડની મુદત પૂરી થશે. તેઓ રાજસ્થાનમાંથી બીજા ઉપરાષ્ટ્રપતિ છે. અગાઉ ભૈરવ સિંહ શેખાવત 2002થી 2007 સુધી ઉપરાષ્ટ્રપતિ હતા.

જગદીપ ધનખડના વિજય પછી સંસદના બંને ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર્સ રાજસ્થાનના હશે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરપર્સનનો કાર્યભાર પણ સંભાળે છે. હાલમાં ઓમ બિરલા લોકસભાના સ્પીકર છે. તેઓ રાજસ્થાનના કોટામાંથી લોકસભામાં ચૂંટાયા હતા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડનો વિજય નિશ્ચિત માનવામાં આવતો હતો, કારણ કે લોકસભામાં ભાજપ સામે સંપૂર્ણ બહુમતી છે તથા રાજ્યસભામાં 91 સભ્યો છે. ચૂંટણીના પરિણામની જાહેરાત થયા પહેલા જ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના નિવાસસ્થાનની બહાર ઉજવણી ચાલુ થઈ ગઈ હતી. અહીં ધનખડ પણ હાજર હતા. ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ ધનખડને મળ્યા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા. ધનખડના રાજસ્થાન ખાતેના વતન ઝુનઝુન ખાતે પણ ઉજવણી ચાલુ થઈ હતી.

આ ચૂંટણીના પરિણામની જાહેરાત કરતાં લોકસભાના સેક્રેટરી જનરલ અને રિટર્નિંગ ઓફિસર ઉત્પત કુમાર સિંહે જણાવ્યું હતું કે કુલ 725 સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને 15 વોટ ગેરલાયક જાહેર થયા હતા. ચૂંટણીમાં વિજય માટે ઓછામાં ઓછા 356 મતની જરૂર હતી. આ વખતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 82.84 ટકા મતદાન થયું હતું, જે 2017માં નાઇડુ ચૂંટાયા તે સમયના 98.2 ટકા કરતાં ઓછું હતું.

નોમિટેડે સભ્યો સહિત સંસદના બંને ગૃહના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકે છે. ઇલેક્ટ્રોરલ કોલેજમાં કુલ 788 સભ્યો હતા, પરંતુ રાજ્યસભામાં આઠ ખાલી જગ્યાને કારણે વાસ્તવિક સંખ્યા 780 હતી.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે વોટિંગમાં ભાગ લીધો ન હતો. જોકે પક્ષના બે સભ્યો સિસિર કુમાર અધિકારી અને દિબ્યેન્દુ અધિકારીએ મતદાન કર્યું હતું. ટીએમસી કુલ 36 સાંસદ ધરાવે છે, જેમાં લોકસભાના સભ્યની સંખ્યા 23 છે.

સંસદભવનમાં મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. વડાપ્રધાન મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શરૂઆતમાં મતદાન કર્યું હતું. વિપક્ષના નેતાઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહે બપોર પછી મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સવારમાંથી વોટિંગ કર્યું હતું. કોરોનાગ્રસ્ત કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પીપીઇ કીટ પહેરીને મત આપ્યો હતો.

55 સાંસદોએ વોટિંગ ન કર્યું

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 55 સાંસદોએ વોટિંગ કર્યું ન હતું. તેમાં જાણીતા નામોમાં ભાજપના સન્ની દેઓલ અને સંજય ધોત્રેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ અને શફીકુર રહમાન બર્કે પણ મતદાન કર્યું ન હતું. શિવસેનાના સાંત સાંસદોએ વોટિંગ કર્યું ન હતું. તેમાં મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા સંજય રાઉતનો સમાવેશ થાય છે. બીએસપીના બે સાંસદો અને આમ આદમી પાર્ટીના એક સાંસદ પણ મતદાનથી અળગા રહ્યાં હતા. મતગણતરી સાંજે છ વાગ્યે ચાલુ થઈ હતી અને સાંજે આઠ વાગ્યે ધનખડને વિજેતા જાહેર કરાયા હતા.