ઓહાયોમાં કુયાહોગા ફોલ્સ ખાતેના રહેવાસી પિટ્સબર્ગમાં સતામણી સહિતના વિવિધ આરોપોમાં દોષિત ઠરેલા એક ભારતીય મૂળના શખ્સને અઢી વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે. આ અંગેની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સના એટર્ની સિન્ડી કે. ચુંગે જાહેરાત કરી હતી.
આ કેસ અને આરોપ અંગે કોર્ટને માહિતગાર કરવામાં આવી હતી કે દેવ રિમલ નામના 24 વર્ષીય શખ્સે પીડિત વ્યક્તિને તેની કારમાં બળજબરીપૂર્વક બેસાડવા માટે ઓહાયોથી પિટ્સબર્ગ સુધીની મુસાફરી સહિત, તેનો પીછો કરીને તેની સતામણી કરી હતી. આ દરમિયાન પીડિતા ચાલતા વાહનમાંથી છલાંગ લગાવીને બહાર નીકળી હતી. રિમલે પીડિતા, તેના પરિવાર અને મિત્રોની હત્યા કરવા અને તેમને નુકસાન પહોંચાડવાની ધમકી આપવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો પણ ઉપયોગ કર્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ સ્ટેફની હેઇન્સે રિમલને 30 મહિનાની કેદ અને 36 મહિનાની નિરિક્ષણ હેઠળ મુક્ત રહેવાની સજા ફટકારી હતી, જેમાં પ્રથમ છ મહિના ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ સાથે ઘરમાં કેદ રહેવું પડશે.
આ કેસમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને વાઇટબોલ બરો પોલીસ ડીપાર્ટમેન્ટે તપાસ હાથ ધરીને રીમલ સામે આરોપો ઘડ્યા હતા.