• અસજદ નઝીર દ્વારા

નવા પ્રકાશિત થયેલા લેખક મનુ એમ. સવાણીએ બતાવ્યું છે કે નવા જુસ્સાને અનુસરવામાં અથવા સ્વપ્ન સાકાર કરવામાં ક્યારેય મોડું થતું નથી. કેન્યાના મોમ્બાસામાં જન્મેલા અને હવે અમેરિકામાં રહેતા 80 વર્ષના વૃદ્ધે હમણાં જ તેમનું પહેલું પુસ્તક ‘જામ્બો, સામજી કાલા’ લખ્યું છે. 1960ના દાયકામાં ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીમાં થીસીસ લખ્યા પછીનું તેમનું પ્રથમ ગંભીર લેખન તેમના પિતા મોહનલાલ કલા સવાણીની અવિશ્વસનીય સત્ય વાર્તા છે, જેઓ 1890ના દાયકાથી બ્રિટિશ ભારતથી ઇસ્ટ આફ્રિકામાં લાવવામાં આવેલા 32,000થી વધુ માઇગ્રન્ટ કામદારોમાંના એક હતા.

વિગતવાર લેખન અને જૂના કૌટુંબિક ફોટોગ્રાફ્સ દ્વારા, તેઓ પ્રાથમિક શિક્ષણ ધરાવતા ગરીબ ઇમિગ્રન્ટની વાર્તા કહે છે, જે કિશોરાવસ્થામાં 1918 માં કેન્યા આવ્યા હતા અને એક સમૃદ્ધ બિઝનેસ બનાવ્યો હતો. જેમાં ઇસ્ટ આફ્રિકામાં 1920માં પ્રથમ મૂંગી ભારતીય મૂવીઝ આયાત કરવાનો અને સિનેમા ચેઇન શરૂ કરવાનો સમાવેશ થાય છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટાના ઉદયને ચાર્ટ કરે છે જેઓ મૂવી મોગલ, ટેક્સટાઇલ અને કોટન મેગા-વેપારી, ઉદ્યોગપતિ, રિયલ એસ્ટેટ ડેવલપર અને સખાવતી બન્યા હતા. તે દર્શાવે છે કે કેવી રીતે વસાહતીઓએ ઇસ્ટ આફ્રિકામાં ભારતીયોની ભાવિ પેઢીઓ માટે પાયો નાખ્યો હતો.

ગરવી ગુજરાતે સધર્ન કેલિફોર્નિયા સ્થિત લેખક સાથે તેમના પ્રથમ પુસ્તક અને પ્રેરણાદાયી પિતા વિશે ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી જેઓ પોતે યુએસએમાં ભારતીય ફિલ્મ વિતરણના પ્રણેતા છે.

મનુભાઇ કહે છે કે ‘’મેં 2019 માં ફેમિલી ડાયરી તરીકે લખવાનું શરૂ કર્યું હતું. રોગચાળા દરમિયાન મેં 2020 ના અંતમાં ફરીથી લખવાનું શરૂ કર્યું અને 2021ના ​​અંતમાં હસ્તપ્રત પૂર્ણ કરી હતી. સૌથી મોટો પડકાર ડેટા અને રેકોર્ડ્સ એકત્ર કરવાનો હતો. મોટાભાગના પરિવારના સભ્યો વિદેશમાં સ્થાયી થયા હતા,અને દરેકને લાગતું હતું કે પારિવારીક ઘરમાં ફોટા અને 8 એમએમની ફિલ્મો રાખવામાં આવી હશે. પરિવારે 8 mm ફિલ્મો પર ખાસ પ્રસંગો રેકોર્ડ કર્યા હતા. મેં શોધવાનું શરૂ કર્યું પરંતુ કમનસીબે તે મળ્યા ન હતા. સદભાગ્યે, અમને જૂના ફોટા મળ્યા જેનો મેં પુસ્તકમાં સમાવેશ કર્યો છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’મેં મારા પિતા મોહનલાલ કલા સવાણી (જેઓ સામજી કલા તરીકે જાણીતા છે)ના સંઘર્ષ અને સફળતા વિશે ઘણું શીખ્યું. તેમને અને અન્ય ઇમિગ્રન્ટ્સને નવી ભૂમિમાં જે અગ્નિપરીક્ષાઓનો સામનો કરવો પડ્યો તે પણ હું શીખ્યો. તેમણે સખત મહેનત, સંપૂર્ણ સમર્પણ અને વ્યવસાયમાં સફળ થવા માટેના ઉત્સાહ દ્વારા તેમની અગ્નિપરીક્ષાઓને તકોમાં પરિવર્તિત કરી હતી. 1918માં, તેઓ 18 વર્ષની ઉંમરે મોમ્બાસા (કેન્યા)માં ઉતર્યા ત્યારે તેમની પાસે માત્ર પ્રાથમિક શાળાનું શિક્ષણ અને ખાલી ખિસ્સા હતા. 20મી સદીની શરૂઆતમાં વસાહતી ઇસ્ટ આફ્રિકામાં જીવન એશિયન સમુદાય માટે મુશ્કેલીઓથી ભરેલું હતું. તેઓ મોમ્બાસામાં ઉતર્યા ત્યારે મોટાભાગના લોકોએ ફોટોગ્રાફ પણ જોયો ન હતો. પરંતુ તેમણે મોશન પિક્ચર ફિલ્મો રજૂ કરવાનું સપનું જોયું હતું. જ્યારે તેમણે ભારત છોડ્યું ત્યારે તેમણે દાદા સાહેબ ફાળકે દ્વારા બનાવેલી મૂંગી ફિલ્મોની જોરદાર સફળતા જોઈ હતી. 1922માં તેઓ ભારતીય મૂંગી ફિલ્મો આયાત કરવામાં સફળ થયા. તેની સાથે તેમણે ફિલ્મો રજૂ કરવાના અને સિનેમાઘરો બનાવવાના તેમના સપનાને અનુસરવા માટે પોર્ટેબલ હેન્ડ ક્રેન્ક્ડ 35mm પ્રોજેક્ટર આયાત કર્યું હતું. તેઓ સફળ થયા હતા અને બાકી હવે ઇતિહાસ છે. મારા પિતાની જીવનયાત્રાની હું સૌથી વધુ પ્રશંસા કરું છું કારણ કે તેઓ જીવનભર નમ્ર રહ્યા હતા.’’

મનુભાઇએ કહ્યું હતું કે ‘’સામજી કલાનું જીવન અને સમય માત્ર ભાવિ પેઢીઓ માટે જ નહીં પરંતુ આજના તમામ યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. જ્યાં ઇચ્છા છે, ત્યાં માર્ગ છે. તેમણે પહેલા સ્થાનિક સપ્લાયર્સ પાસેથી ખરીદી કરીને અને પછી મોટા પાયે કાપડની આયાત કરીને ઇસ્ટ આફ્રિકામાં કાપડના બિઝનેસમાં વિસ્તરણ કર્યું હતું. આખરે લાખો યાર્ડ કાપડની આયાત કરી અને યુગાન્ડા અને ટાંગાનિકામાંથી કાચા કપાસની નિકાસમાં અગ્રેસર બની અગ્રણી કાપડ ઉત્પાદક બન્યા હતા. એશિયનોએ ઇસ્ટ આફ્રિકામાં સમાજ માટે કરેલા યોગદાનને જાણવું લોકો માટે મહત્વપૂર્ણ છે. બિઝનેસ કરતી વખતે, મોહનલાલ કલા સવાણી જેવા લોકો દ્વારા કરવામાં આવેલ પરોપકાર અને યોગદાન ઘણીવાર ભૂલી જવાય છે. તેમના પહેલા અલીદીના વિશ્રામ, એએમ જીવણજી અને સૈફ બિન સલીમ અને અન્ય ઘણા એશિયનો હતા.’’

તેમણે કહ્યું હતું કે ‘’આ પુસ્તક એક કૌટુંબિક ડાયરી તરીકે શરૂ થયું હતું જે જીવનચરિત્ર બની ગયું અને તે આખરે પુસ્તક બની ગયું! મને ખબર નથી કે લોકોની પ્રતિક્રિયા શું હશે. હું મૂવી બફ છું! હું મૂવી બિઝનેસ પર કંઈપણ અને બધું વાંચું છું. હોલીવુડ હોય કે બોલિવૂડ. હું 1968 થી યુએસએ અને કેનેડામાં ભારતીય ફિલ્મ વિતરક છું. મારો શોખ સદભાગ્યે મારો વ્યવસાય બની ગયો.’’

‘જામ્બો, સામજી કાલા’ નોશન પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે અને હવે તે ઉપલબ્ધ છે.