Shri Jitu Patel, Chairperson, BAPS UK

બ્રિટનમાં વસતા વ્યાપક હિંદુ સમુદાયના પ્રતિનિધિ તરીકે મહારાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત રહેલા  BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકેના ચેરપરસન શ્રી જીતુભાઇએ ગરવી ગુજરાતને એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટન એક અસાધારણ દેશ છે. તે મૂલ્યો, જાહેર સેવાના મૂલ્યો ધરાવતો દેશ છે. અહિં દરેક વ્યક્તિએ યોગદાન આપવાનું છે. રાજા તમામ ધર્મોના રક્ષક છે. અને તેઓ રાજા બનતા પહેલા બધા ધર્મોમાં અને સહઅસ્તિત્વમાં માને છે તથા અન્ય આસ્થાઓનો આદર કરે છે. જેના માટે તેમણે સમર્થન આપ્યું છે.’’

પોતાના રાજ્યાભિષેકના અનુભવ અંગે વિસ્તૃત માહિતી આપતાં જીતુભાઇએ કહ્યું હતું કે ‘’સુન્ની મુસ્લિમ, શિયા મુસ્લિમ, બૌદ્ધ, શીખ, યહુદી અને હું મળીને અમે કુલ છ વ્યક્તિઓએ બ્રિટનના સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મને ખાતરી છે કે મહેલ દ્વારા વ્યાપક સમુદાય અને અન્ય ધર્મના લોકોને આ સમારોહમાં જોડવા માટેનો નિર્ણય લેવાયા બાદ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર અને મીડિયા વિભાગે હિંદુ સમુદાયના પ્રતિનિધિ તરીકે અમને આમંત્રણ મોકલ્યું હતું. આ રાજ્યાભિષેકનો ભાગ બનવું ખરેખર અદ્ભુત છે. તે એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો, મને ત્યાં જતાં ખૂબ જ આનંદ થયો હતો.’’

જીતુભાઇએ જણાવ્યું હતું કે ‘’અમે ગુરુવારે સંપૂર્ણ ઓન-ડ્રેસ રિહર્સલ કર્યું હતું. તેથી શનિવારે, અમને ખબર હતી કે શું થવાનું છે. ગુરૂવારે શાહી દંપત્તી અને આમંત્રિત મહેમાનો સીવાય સમારોહમાં ભાગ લેનારા બધા જ હતા. શનિવારે હું પહોંચ્યો તેવો મને જેરૂસલેમ રૂમમાં લઇ જવાયો હતો જ્યાં બધા ધર્મના પ્રતિનિધિઓ, બધા આર્ચબિશપ અને અમે છ જણ હતા. આખરે અમને સવારે લગભગ 9:35 કલાક બેસવાનું કહ્યું હતું. જે ખૂબ જ સરસ જગ્યા હતી. ક્રોસની એક બાજુ, રાજવીઓ અને વડા પ્રધાનો અને પ્રમુખોને બેસવાનું હતું તો બીજી બાજુ અમે ફેઇથ લીડર્સ બેઠા હતા.’’

જીતુભાઇએ જણાવ્યું હતું કે ‘’અમને પહેલાથી જ એક પેપરમાં લખીને એક વાક્ય અપાયું હતું જે અમે એકસાથે બોલવાની પ્રેક્ટિસ કરી હતી. તેમાં કહેવાયું હતું કે ‘’મહામહિમ, ફેઇથના પડોશીઓ તરીકે, અમે જાહેર સેવાના મૂલ્યને સ્વીકારીએ છીએ. અમે થેંક્સગિવીંગમાં અને સામાન્ય ભલાઈ માટે તમારી સાથે સેવામાં તમામ ધર્મો અને માન્યતાઓ ધરાવતા લોકો સાથે એક થઈએ છીએ. શનિવારે જ્યારે સમારોહમાં અમે આ વાક્ય બોલ્યા ત્યારે મહારાજાએ માથું હલાવ્યું હતું અને સ્મિત કર્યું હતું. મને શંકા છે કે તેઓ પણ શુક્રવારે રિહર્સલ માટે ત્યાં ગયા હોવાથી તેઓ જાણતા હશે કે અમે શું કહેવાના છીએ. જો કે અમે જ્યારે રિહર્સલમાં ગયા ત્યારે રાજા અને રાણી તરીકે કોઇ અન્ય ઉભા હતા જેમણે શુક્રવારે રાજા સાથે રીહર્સલ કર્યું હશે.’’

20-25 વર્ષ પહેલા ગરવી ગુજરાતમાં પ્રકાશીત થયેલા એક અહેવાલમાં પ્રિન્સે પહેલીવાર કહ્યું હતું કે તેઓ ધર્મના રક્ષક બનવા માંગે છે. આ અંગે જીતુભાઇએ જણાવ્યું હતું કે ‘’હા, ચોક્કસ. આ તેમના લોહીમાં છે. તેઓ જે કહે છે તે કરે છે. બ્રિટિશ હિંદુ તરીકે મને આ કોરોનેશન જ નહિં પણ આપણા વડાપ્રધાન હિંદુ હોવાના કારણે, હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સમાં ઘણા બિન-ઇંગ્લિશ સાંસદો હોવા, જાહેર સેવામાં અને બિઝનેસની દુનિયામાં દરેક જગ્યાએ જોશો, તો તમને વાતાવરણ મુક્ત અને આવકારદાયક જણાશે. દરેક પાસે પોતાનું કામ કરવાની તમામ તકો છે.’’

તમે આ દેશમાં આવ્યા ત્યારે આ સ્થળે પહોંચશો તેવી કલ્પના હતી કે કેમ તેના જવાબમાં જીતુભાઇએ જણાવ્યું હતું કે ‘’હું 45 વર્ષ પહેલાં આવ્યો ત્યારે આપણે અંડરડોગ જેવા હતા. અમે ખૂબ જ નીચેથી શરૂઆત કરી હતી અને પોતાનું ઘર બનાવવા, બચત કરવા કામ કરવું પડ્યું હતું. તે એક સંઘર્ષ હતો અને તે રંગ લાવ્યો છે. તમે જાણો છો કે હું BAPS સ્વામી નારાયણ સંસ્થા, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો અનુયાયી છું અને મને ઊંડો વિશ્વાસ છે કે મને તેમના આશીર્વાદ છે. તેમના ટેકાથી જ આ દેશમાં અમે સફળતા મેળવી છે.’’

LEAVE A REPLY

2 × one =