Johnson's baby powder
(istockphoto.com)

જોન્સન એન્ડ જોન્સને 2023 સુધીમાં વૈશ્વિક સ્તરે તેની ટેલ્કમ આધારિત બેબી પાવડર પ્રોડક્ટસનું વેચાણ બંધ કરવાની યોજના બનાવી છે. શ્રેણીબદ્ધ કાનૂની જંગ બાદ કંપનીએ આ હિલચાલ કરી છે. અગાઉ કંપની અમેરિકા અને કેનેડામાં આ પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરી ચુકી છે. કંપની 1894થી પોતાના બેબી પાવડરનું વેચાણ કરી રહી છે.  

જે એન્ડ જેએ ગુરુવાર (11 ઓગસ્ટ)એ જણાવ્યું હતું કે કંપનીએ તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોના વિશ્લેષણ બાદ ટેલ્કમ પાવરની જગ્યાએ કોર્નસ્ટાર્ચનો તેના તમામ બેબી પાવર પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવાનો કોમર્શિયલ નિર્ણય કર્યો છે.  

એક સમયે દરેક ઘરોમાં વપરાતો જોનસન એન્ડ જોનસનનો બેબી પાવડર હવે 2023ના વર્ષથી ગાયબ થવા જઈ રહ્યો છે. હાલ ફાર્મા કંપની હજારો કન્ઝ્યુમર કેસનો સામનો કરી રહી છે.અમેરિકામાં હજારો લોકોની ફરિયાદો બાદ તેનું વેચાણ પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીના કહેવા પ્રમાણે અગાઉ વિશ્વના અનેક દેશોમાં બેબી પાવડરનું વેચાણ થતું હતું પરંતુ હવે સમગ્ર વિશ્વભરમાં તેનું વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવડરમાંથી મળી આવેલા હાનિકારક ફાઈબર એસ્બેસ્ટસના કારણે લોકોમાં કેન્સરનું જોખમ વધી રહ્યું હતું. આશરે 35,000 જેટલી મહિલાઓએ તે પ્રોડક્ટના વિરોધમાં ફરિયાદો કરી હતી.આ પછી આખી દુનિયામાં કંપની સામે કેસ દાખલ થવા લાગ્યા હતા. મહિલાઓએ આ પાવડરના ઉપયોગના કારણે તેમને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ હોવાની ફરિયાદ કરી હતી. આજે પણ બ્રિટન સહિત વિશ્વના અનકે દેશમાં આ પાવડરનું વેચાણ થઈ રહ્યું છે. કંપની સામે હાલ 19,400 જેટલા કેસ દાખલ છે.