ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ઝડપી ન્યાયિક પ્રક્રીયા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ. છેલ્લા બે દાયકાઓમાં તકરારોના વૈકલ્પિક નિવારણની પદ્ધતિ ન્યાયતંત્રમાં અસરકારક સાબિત થઇ છે. ખાસ કરીને દીવાની બાબતોના કેસોમાં આનાથી સુખદ સમાધાન લાવી શકાય છે. રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદએ એકતાનગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયધીશ એન. વી રમણા, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટસ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો
આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિશ્રીએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક ‘એક્સેસ ટુ જસ્ટીસ’ નો મુદ્દો હતો. ‘ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે; પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે, એમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.