Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સહિત ન્યાયતંત્રની કાર્યપ્રણાલી અંગે છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ (CPGRAMS)માં આશરે 1,600 ફરિયાદ મળી છે. આવી 1,622 ફરિયાદ સ્થાપિત ઇન-હાઉસ મિકેનિઝમ મુજબ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા સંબધિત હાઇ કોર્ટના સંબંધિત ચીફ જસ્ટિસને મોકલવામાં આવી છે, એવી રાજ્યસભામાં ગુરુવારે માહિતી આપવામાં આવી હતી.

રાજ્યસભામાં લેખિત જવાબમાં કાયદા પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ઇન હાઉસ મિકેનિઝમ મારફત જવાબદેહી નિર્ધારિત છે. સુપ્રીમ કોર્ટે 7 મે, 1997ની ફૂલ કોર્ટ મીટિંગમાં બે દરખાસ્ત સ્વીકારી હતી. તેમાંથી પ્રથમ “ન્યાયિક જીવનમાં મૂલ્યનું પુનઃસ્થાપન” અંગે છે. તેમાં સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટના ન્યાયાધીશો દ્વારા પાલન કરવાના કેટલાંક ન્યાયિક ધોરણો અને સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યા છે. આ દરખાસ્તમાં ન્યાયિક જીવનના સાર્વત્રિક ધોરણે સ્વીકારવામાં આવેલા મૂલ્યોનું પાલન ન કરતાં ન્યાયાધીશો સામે  યોગ્ય પગલાં લેવા માટેની ઇન-હાઉસ પ્રોસિજર પણ છે.

પ્રધાને જણાવ્યું હતું કે ઉચ્ચ ન્યાયતંત્ર માટે સ્થાપિત ઇન-હાઉસ મિકેનિઝમ મુજબ સુપ્રીમ કોર્ટના જજ અને હાઇ કોર્ટના ચીફ જસ્ટિસની વર્તુણુક સામેની ફરિયાદો મેળવવા માટેની સક્ષમ ઓથોરિટી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. એ જ રીતે  હાઇકોર્ટના જજ સામેની ફરિયાદો મેળવા માટેની સક્ષમ ઓથોરિટી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ છે. ન્યાયતંત્ર અંગેની ફરિયાદો કે રજૂઆતો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા સંબંધિત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવી છે. રાજ્યોમાં નીચલી કાર્ટના સભ્યો અંગેનો વહીવટી અંકુશ સંબંધિત રાજ્યોની હાઇ કોર્ટ હેઠળ આવે છે.