કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વડાલા ગામમાં એક શખ્સે પોતાના પુત્રની સ્કૂલની ફી ભરવા માટે આ ગામના જ વતની પરંતુ મુંબઈમાં રહેતા એક વેપારીની હત્યા કરી હતી, એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

મુંબઈના આ રહેવાસીની હત્યા 25મી એપ્રિલના રોજ કરવામાં આવી હતી, પરંતુ આ ચોંકાવનારી હકીકત રવિવારના રોજ સામે આવી હતી. રવિવારના રોજ વાળા ગઢવી નામના શખ્સની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું છે વાળા ગઢવી ભારે દેવાના બોજ તળે દબાયેલા હતા. આ સિવાય મુન્દ્રામાં ધોરણ બારમાં અભ્યાસ કરતા પોતાના મોટા દીકરાની ફી અને હોસ્ટેલના પૈસા માટે વધારે 35000 રુપિયાની તેમને જરૂર પડી હતી. મુંબઈમાં રહેતા પીડિત મનસુખ સાતારા રોકાણ કરવા માટે જમીન જોવા માટે પોતાના વતન વડાલા આવ્યા હતા. આરોપી વાળા ગઢવીએ જોયું કે મનસુખ સાતારાએ સોનાની ચેઈન, બ્રેસલેટ અને પેંડન્ટ પહેર્યા છે.

વાળા ગઢવીએ પીડિત મનસુખ સાતારાને જણાવ્યું કે તે જમીન બતાવવા માટે પોતે લઈ જશે. અને જમીનના બહાને 25મી એપ્રિલના રોજ ગામની બહાર આવેલા ખેત વિસ્તારમાં લઈ ગયા હતા. અહીં આરોપીએ પીડિતના ઘરેણાં લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સામે પક્ષેથી વિરોધ કરવામાં આવતા વાળા ગઢવીએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક પર લગભગ 12 વાર છરીથી વાર કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થઈ ગયુ હતું. મનસુખ સાતારાના સ્વજન મુકેશ છેડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા મુંદ્રા પોલીસે કેસની તપાસ શરુ કરી હતી. પોલીસે પૂછપરછ કરી ત્યારે આરોપીએ ગુનો કબૂલ્યો હતો.