બોલીવૂડની યાદગાર જોડી શાહરુખ ખાન અને કાજોલ ફરીથી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની કોઈ નવી ફિલ્મની જાહેરાત નથી થઈ પરંતુ, આ સુપર હિટ જોડી ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં સાથે જોવા મળશે તેમ કહેવાય છે, જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. મીડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોફેશનલી અને પર્સનલી કરણની નજીક ગણાતા કાજોલ અને શાહરુખ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે. આ જોડી ફિલ્મના કોઈ સીનમાં દેખાશે કે ગીતનો ભાગ બનશે, તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લાંબા બ્રેક પછી શાહરૂખ અત્યારે તેના કમબેકની તૈયારી કરી રહ્યો છે અને તે ઘણાં બધા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ અનુસાર, એસઆરકે કરણને શૂટ માટે એક જ દિવસ આપશે અને મુંબઈમાં જ તેના કેમિયો કે ગેસ્ટ અપિરિયન્સ માટે શૂટિંગ કરશે. સિલ્વર સ્ક્રીન પર સુપરહિટ જોડી ફરીથી સાથે જોવા મળશે તે ખબરથી તેમના ચાહકો ઉત્સાહિત થયા છે.
શાહરુખ અને કાજોલે એકબીજાની સાથે અત્યાર સુધી સાત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ સાતેય ફિલ્મ સુપરહિટ રહી છે. આ ઉપરાંત, શાહરૂખની ચાર ફિલ્મોમાં કાજોલ ગેસ્ટ કલાકાર પણ હતી. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવતા વર્ષે રિલીઝ થશે અને ફિલ્મમાં રણવીર-આલિયાની સાથે શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર પણ મુખ્ય કિરદાર નિભાવતા જોવા મળશે.