નોર્થ ઇંગ્લેન્ડના ડીડ્સબરીમાં રહેતા બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ નેતા અને 73 વર્ષીય પ્રોફેસર કૈલાશચંદ OBEનું જુલાઈમાં કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. તેમના પુત્રએ દાવો કર્યો છે કે જો એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ ન થયો હોત તો તેમના પિતા લગભગ ચોક્કસપણે બચી ગયા હોત. નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS) આ ઘટનાની તપાસ કરી રહી છે.

વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અસીમ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “એમ્બ્યુલન્સ 30 મિનિટથી વધુ સમય મોડી આવી હતી. જીવલેણ ઈજાઓ અને બીમારીઓ ધરાવતા લોકોના કોલ્સનો જવાબ આપવા માટે NHS ઈંગ્લેન્ડનું એમ્બ્યુલન્સ પહોંચાડવાનું રાષ્ટ્રીય લક્ષ્ય સાત મિનિટનું છે. પેરામેડિક્સે આવીને પપ્પા સાથે કાર્ડિયાક મોનિટર જોડી દીધું હતું. હું જોઈ શક્યો હતો કે તે વખતે એક સપાટ લાઈન જતી હતી. અમે બાદમાં શોધી કાઢ્યું હતું કે મારા પિતાના મૃત્યુ સમયે કટોકટીના પ્રતિભાવની દેશભરમાં વ્યાપક સમસ્યા છે. સરકારને ખબર હતી કે સ્ટાફની અછત અને વધતી જતી માંગને કારણે એમ્બ્યુલન્સ સમયસર લક્ષ્યોને પહોંચી વળવા સક્ષમ નથી, પરંતુ તેમણે લોકોને આ વિશે કશું ન કહેવાનું પસંદ કર્યું.”

ડો.મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’આ માહિતી રોકવાનો નિર્ણય ભયાનક હતો અને તે જવાબદારી અને પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે.’’

તેમણે બીબીસી નોર્થ વેસ્ટ ટુનાઇટને કહ્યું હતું કે ‘’જો તમને એમ્બ્યુલન્સમાં વિલંબ થશે તે વિશે ખબર હોત તો મેં એક પાડોશીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના તરત જ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હોત. મને લગભગ ખાતરી છે કે તેઓ બચી ગયા હોત. હું વ્યક્તિગત રીતે મારા પિતાના મૃત્યુ માટે સરકારને સીધી રીતે જવાબદાર ઠેરવી રહ્યો છું અને હું આ માટે સરકાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યો છું.”

NWASના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે ડૉ. મલ્હોત્રા અને તેમના પરિવાર પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના રજૂ કરીએ છીએ. અમને તેમની પાસેથી ઔપચારિક ફરિયાદ મળી છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને પરિવાર સાથે આ બાબતે વધુ ચર્ચા કરવા માટે તેમનો સંપર્ક કરીશું.”