(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ એક્ટ્રેસ કંગનાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. ખુદ કંગનાએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી.કંગનાએ ધમકી મળ્યા બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદની કોપી પણ શેર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા રદ કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનનની તુલના ખાલિસ્તાન સાથે કરી હતી. તેના પગલે કંગના સામે મુંબઈ અને દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંગનાએ કહ્યું છે કે, મેં ખાલિસ્તાનીઓને લઈને જે પોસ્ટ મુકી હતી એ પછી ભાગલાવાદીઓ મને સતત ધમકી આપી રહ્યા છે. પંજાબના એક વ્યક્તિએ તો મને ખુલ્લેઆમ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે પણ હું આવી ધમકીઓથી ડરતી નથી.હું દેશની સામે ષડયંત્ર રચનારા અને આતંકીઓ સામે બોલતી રહી છું.એ પછી નક્સલવાદીઓ હોય કે પંજાબમાં ગુરુઓની પવિત્ર ધરતીના ટુકડા કરીને ખાલિસ્તાન બનાવવાના સપના જોનારા વિદેશી આતંકવાદીઓ હોય.

અભિનેત્રીએ કહ્યું હતું કે, હું કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને યાદ દેવડાવવા માંગુ છું કે તે પણ એક મહિલા છે અને તેઓ મહેરબાની કરીને પંજાબના મુખ્યમંત્રીને નિર્દેશ આપે કે, તેમના રાજ્યમાંથી ધમકી આપનારા સામે કાર્યવાહી કરે. મને આશા છે કે, પંજાબ સરકાર કાર્યવાહી કરશે. દેશ મારા માટે સર્વોપરી છે અને તે માટે બલિદાન આપવુ પડે તો પણ મને વાંધો નથી. હું કોઈથી ડરતી નથી અને દેશના ગદ્દારો સામે બોલતી રહીશ. ભવિષ્યમાં મને કશું થશે તો તેના માટે નફરતની રાજનીતિ કરનારા જવાબદાર હશે.