(Photo by STR/AFP via Getty Images)

મહારાષ્ટ્રમાં તાજેતરમાં એક ધારાસભ્ય સુખદેવ પાંસેએ કંગના રનૌતને નાચને ગાને વાલી કહેતા તે ગુસ્સે થઇ હતી અને તેણે સ્વાભાવિક રીતે વળતો જવાબ આપ્યો હતો. જોકે, તેણે આ જવાબમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને દીપિકા પદુકોણનાં નામ પણ લીધાં હતાં. કંગનાએ જણાવ્યું હતું કે, તે દીપિકા, કેટરિના કે આલિયા નથી. તે મૂવીઝમાં આઇટમ સોંગ્સ કરવાની ના પાડે છે.

જોકે, હવે આ મુદ્દે નવો વળાંક આવ્યો છે. સ્વરા ભાસ્કરે કંગનાની 2013ની ફિલ્મ ‘રજ્જો’માંથી એક વીડિયો શૅર કર્યો હતો. સ્વરાએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ફિલ્મ ‘રજ્જો’માં આ આઇટમ સોંગમાં તારો ડાન્સ ગમ્યો હતો. કંગના તું ગ્રેટ પરફોર્મર અને ગ્રેટ ડાન્સર છે. તારા આગામી આઇટમ નંબર માટે આતુર છું.’ જુલ્મી રે જુલ્મી…. નામના આ ગીતમાં કંગના કેટલાક પુરુષોના એન્ટરટેઇનમેન્ટ ડાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એક ડાન્સરના રોલમાં હતી. અગાઉ સ્વરાએ ધારાસભ્ય સુખદેવ ખોટા હોવાનું જણાવ્યું હતું. સ્વરાએ લખ્યું હતું કે, ‘સુખદેવ પાંસેએ મૂર્ખામીભર્યું અને સંપૂર્ણપણે નિંદાત્મક વાત કહી હતી. જોકે, કંગના તે સ્થિતિને વધારે ખરાબ કરી હતી.’

સ્વરાએ સુખદેવને કંગનાએ આપેલા જવાબને રિટ્વીટ કર્યો હતો. જેમાં કંગનાએ લખ્યું હતું કે, ‘આ મૂરખ જે કોઈ પણ હોય શું એ જાણે છે કે, હું દીપિકા, કેટરિના કે આલિયા નથી. હું એકમાત્ર એવી એક્ટર છું કે જે આઇટમ નંબર્સ કરવાની ના કહું છું. બિગ હીરો (ખાન-કુમાર)ની ફિલ્મ્સ કરતી નથી. જેના લીધે સમગ્ર બોલિવૂડિયા ગેંગ મારી વિરુદ્ધ છે. હું રાજપૂત મહિલા છું. હું કમર હલાવતી નથી, પણ હાડકાં તોડું છું.’