કોરોના પ્રોટોકોલનો ભંગ કરીને પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવા બદલ તાપી જિલ્લાના ભાજપના નેતા કાંતિ ગામીતની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે 308 હેઠળ ગુનો નોંધાયો છે. કાંતિ ગામીતના પુત્ર જિતુ ગામીત સામે પણ ગુનો નોંધાયો હતો. પિતા-પુત્ર ઉપરાંત અન્ય 18 જણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત હાઇ કોર્ટની ફટકાર બાદ સરકારે આ કાર્યવાહી કરી હતી. કાંતિ ગામીત ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન છે. તેઓ તાપી જિલ્લાના સોનગઢમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.

કાંતિ ગામીત સામે કલમ 188, 269 અને 270ની કલમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત જીપીએની કલમ 131 લગાડાઈ છે અને એપેડેમિક એક્ટ 3 હેઠળ પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51-બી હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટની ટકોર અને સોશિયલ મીડિયામાં ચારેય બાજુએ સરકારની ટીકાને પગલે વધેલા દબાણના પગલે સરકારે કાંતિ ગામિતની ધરપકડ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો જણાવ્યું છે છતા પૂર્વ પ્રધાનની પૌત્રીની લગ્નમાં છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા. તેમણે સત્તાવાર કહ્યું હતું કે બે હજારને તો મેં આમંત્રણ આપ્યુ છે. આ સમગ્ર કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે. ઉલ્લેખનીય છે કે એક તરફ સામાન્ય નાગરિક લગ્ન પ્રસંગમાં નિયત સંખ્યા કરતા વધારે લોકો બોલાવે છે ત્યારે તેને મોટો દંડ ફટકારી દેવામાં આવે છે.