25 વર્ષની વયે કરનજીત કૌર બેન્સ વિશ્વ સ્તરે યોજાતી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ બ્રિટિશ શીખ મહિલા બની છે. ઇંગ્લિશ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ રવિવારે યોજાશે.

બ્રિટનની પ્રથમ મહિલા શીખ પાવરલિફ્ટર કરનજીત કૌર બેન્સ તેના જેવી વધુ યુવતીઓને રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

કરનજીતે રમતગમતના જીવનની શરૂઆત એક દોડવીર તરીકે કરી હતી, પરંતુ 17 વર્ષની ઉંમરે તેણીએ જ્યારે પાવરલિફ્ટિંગ શરૂ કર્યું ત્યારે પુરૂષોનું વર્ચસ્વ ધરાવતી રમતમાં તેનું ધ્યાન ટૂંક સમયમાં બદલાઈ ગયું. કરનજીત હવે સિનિયર સર્કિટમાં પ્રવેશ કરી રહી છે. તેણીએ પોતાના પ્રભાવશાળી રેકોર્ડમાં વધારો કરી વિશ્વ અને યુરોપીયન ચેમ્પિયનશીપમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. તે 63-કિલોગ્રામ જુનિયર મહિલા વર્ગમાં 2019 કોમનવેલ્થ ચેમ્પિયન બની છે.

તાજેતરમાં, તેણે બ્રિટિશ સિનિયર બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં ટોચના બેમાં સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં તેણે સ્ક્વેટમાં 140 કિગ્રા, બેન્ચ પ્રેસમાં 82.5 કિગ્રા અને ડેડલિફ્ટમાં 167.5 કિગ્રા વજન ઉચક્યું હતું.

બ્રિટિશ નાગરીક કરન જીતનો પરિવાર ભારતના પંજાબનો વતની છે. તેના પિતા, કુલદીપ સિંહ બેન્સ, પાવરલિફ્ટર અને બોડી બિલ્ડર હતા. કરનજીત લંડનમાં KPMB માટે એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને ટૂંક સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની લાયકાત મેળવવાની આશા રાખે છે.