દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ 26 જુલાઈએ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ઝેરી દારુને પગલે બિમાર પડેલા લોકોને મળ્યા હતા. (ANI Photo/AAP twitter)

ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઝેરી શરાબ પીવાથી થયેલા મોત અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે કેજરીવાલે વેરાવળ નજીક આવેલા પ્રખ્યાત સોમનાથ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. મંદિરની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે દેશની પ્રગતિ અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

કેજરીવાલે જણાવ્યું હતું કે તેમણે ગુજરાતની પ્રગતિ, આપણા દેશની પ્રગતિ, શાંતિ તથા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને ભગવાન શાંતિ આપે તેવી તથા હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના.

આપના નેતા રાજકોટમાં વેપારીઓ સાથે મીટિંગ માટે નીકળી ગયા હતા. રાજકોટમાંથી કેજરીવાલ ભાવનગરની હોસ્પિટલમાં પણ જવાના હતા. સોમવારે કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતનો લઠ્ઠાકાંડ કમનસીબ ઘટના છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દારુબંધી ધરાવતા ગુજરાતમાં ગેરકાયદેસર શરાબનું વેચાણ કરતાં લોકોને રાજકીય રક્ષણ મળે છે.