Arvind Kejriwal with Manish Sisodia
ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. (ANI Photo/ AAP Gujarat Twitter)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહિના કરતાં ઓછા સમયમાં પાંચમી વખત ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું અહીં વડાપ્રધાનના હોદ્દા માટે આવ્યો નથી. હું માત્ર ભારતને નંબર 1 દેશ બનાવવા માગું છું.

દિલ્હીની શરાબ નીતિને કારણને કારણે સીબીઆઇની તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના ડેપ્યુટી મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનો કેજરીવાલે બચાવ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય હરીફોને ટાર્ગેટ કરી રહ્યો છે.

આપના વડાએ જણાવ્યું હતું કે મને સંભાળવામાં આવી રહ્યું છે કે ત્રણ કે ચાર દિવસમાં મનીષ સિસોદિયાની ધરપકડ થશે. કોણ જાણે, મારી પણ ધરપકડ થઈ શકે છે. આ તમામ કામ ગુજરાતની ચૂંટણી માટે થઈ રહ્યાં છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલી કેજરીવાલ સાથે મનીષ સિસોદિયા પણ ગુજરાત આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

કેજરીવાલે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત હવે પરિવર્તન માંગે છે. આ ધર્મ યુદ્ધ છે. આજે આ લોકો પાસે મોટી સેના છે તો અમારી પાસે ભગવાન છે. આજે અમારી પાસે જનતાનો સાથ છે. આજે અમે દિલ્હીમાં જે કામ કર્યુ છે તે 75 વર્ષમાં નથી થયું. ગુજરાતમાં દિલ્હી જેવા સરકારી હોસ્પિટલ-સ્કૂલ જોઈએ છે ને? તમારે ગુજરાતમાં વીજળીના બિલ ઝીરો જોઈએ છે કે નહીં? અમારી સરકાર બનશે તો 3 મહિનામાં જ વીજળીના બિલ ઝીરો કરી દઈશું

આરોગ્ય અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે જો ગુજરાતમાં તેમની સરકાર આવશે તો તમામને મફત સારવાર-સારી સારવાર આપવાની જવાબદારી એમની સરકારની છે. લોકો માટે દવાઓ, મેડિકલ ટેસ્ટ અને ઓપરેશન ફ્રી કરવામાં આવશે. તમે મને વોટ આપો હું તમને ફ્રી વીજળી આપીશ, તમે મને વોટ આપો હું તમને મફત સારવાર આપીશ. તેમણે ડ્રાઈવર-કંડક્ટરના પગારમાં એક મહિનામાં વધારો કરવાનો વાયદો કર્યો હતો. પોલીસ જવાનોને જણાવ્યું હતું કે અમારી સરકાર બને તો ગ્રેડ પે અમારી પાસેથી લઈ લેજો. એક મહિનાની અંદર બધાની તમામ માગ હું પૂરી કરીશ.