પેરી બારના લેબર સાંસદ ખાલિદ મહમૂદે તેમની પાર્લામેન્ટરી સહાયક અને ભૂતપૂર્વ પ્રેમીકા ઇલેના કોહેનને મહિનાઓ સુધી વાયદાઓ કર્યા બાદ અયોગ્ય રીતે બરતરફ કરી હતી એવો ચુકાદો લંડનમાં ચાર દિવસની સુનાવણી પછી એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલે આપ્યો છે.

ટ્રિબ્યુનલમાં તેમના વરિષ્ઠ સલાહકાર વચ્ચેના સંબંધો, બે વર્ષના અફેર અને કાર્યકારી સંબંધોની વિગતો જાહેર કરવામાં આવી હતી. શ્રીમતી કોહેન દ્વારા કરાયેલા બાકીના તમામ દાવાઓને ‘સારી રીતે સ્થાપિત કરાયા નથી’ એમ જણાવી બરતરફ કરાયા હતા. જેમાં તેમની બરતરફી વંશીય અને ધાર્મિક ભેદભાવથી પ્રેરિત હતી તેવા દાવાનો સમાવેશ પણ થાય છે.

કોહેને દાવો કર્યો હતો કે એક સાથીદાર બાબાતે વ્હીસ્લ બ્લોઇંગ બાદ તેણીને અન્યાયી રીતે બરતરફ કરાઇ હતી. સુનાવણી દરમિયાન, બંને પક્ષોએ એકબીજા સામે શ્રેણીબદ્ધ દાવાઓ અને પ્રતિદાવા કર્યા.

60 વર્ષીય મહમૂદ 2001માં બ્રિટનમાં ચૂંટાયેલા પ્રથમ મુસ્લિમ સાંસદ હતા. ત્યારથી તેમણે બર્મિંગહામ પેરી બાર બેઠક સંભાળી રાખી છે. તેમણે જેરેમી કોર્બીનની લીડરશીપ હેઠળ શેડો ફોરેન ઓફિસ મિનિસ્ટર તરીકે લેબર ફ્રન્ટ બેન્ચ પર સેવા આપી હતી. ગયા વર્ષે તેમણે શેડો મિનિસ્ટર ફોર ડિફેન્સ તરીકે સર કેરની ફ્રન્ટ બેન્ચમાંથી રાજીનામું આપ્યું હતું.