શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે બુધવારે 26મી ઓક્ટોબર 2022 ના રોજ દિવાળી અને નવા વર્ષની ઉજવણી લંડનના મેયર સાદિક ખાન સહિત ડઝનબંધ કાઉન્સિલરો, સાંસદો, મહાનુભાવો, અન્ય અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરાઇ હતી. અદભૂત અન્નકુટ સમક્ષ ભગવાનના દર્શન કરવા માટે લગભગ દસ હજાર મુલાકાતીઓએ મંદિરની મુલાકાત લીધી હતી.

શનિવાર ધન તેરસના રોજ સાંસ્કૃતિક પ્રદર્શન અને લાઇટ શો યોજાયો હતો અને લોકોએ મંદિર દ્વારા ચલાવાતી સાંસ્કૃતિક પ્રવૃત્તોનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ સોમવાર 24 ઓક્ટોબરે દિવાળી અને શ્રી સદગુરુ દિનની ઉજવણી કરાઇ હતી.

આ સમગ્ર સમયગાળા દરમિયાન, કિંગ્સબરી મંદિરે સ્થાનિક ફૂડ બેંકો અને સખાવતી સંસ્થાઓને દાન આપવા માટે ખાદ્યપદાર્થો અને આવશ્યક વસ્તુઓ એકત્ર કરી હતી અને આ પર્વ દરમિયાન મળેલું દાન મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને કરાયું હતું.

હિન્દુ નવા વર્ષ પ્રસંગે બુધવાર 26મી ઑક્ટોબરે ભગવાનને અન્નકૂટ અર્પણ કરાયો હતો. જેમાં કોમનવેલ્થના અદ્ભુત પ્રદર્શન દ્વારા સ્વ. રાણીના 70 વર્ષ અને 214 દિવસના અપ્રતિમ શાસનની ઉજવણી કરી હતી. સ્વ. મેજેસ્ટીની ગોલ્ડન, ડાયમંડ અને પ્લેટિનમ જ્યુબિલી દરમિયાન મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ દ્વારા ધૂનો છેડાઇ હતી. આ વર્ષ મંદિરના અત્યાર સુધીના સૌથી વિશાળ અને અદભૂત પ્રદર્શનોમાંનું એક હતું અને નોંધપાત્ર પ્રદર્શન દ્વારા રાણીને યોગ્ય શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

સ્કાય ન્યૂઝ અને ITVના ગુડ મોર્નિંગ બ્રિટને મંદિરની ઉજવણીને સમગ્ર સવારમાં જીવંત પ્રસારણમાં આવરી લીધી હતી.

LEAVE A REPLY

three + one =