(Photo by NARINDER NANU/AFP via Getty Images)

પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગયા બાદ રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ તેલંગણાના ગવર્નર ડૉ. તિમિલીસાઈ સુંદરરાજનને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને મુખ્યપ્રધાનને રાષ્ટ્રપતિને મળીને કિરણ બેદીને તેમના હોદ્દા પરથી દૂર કરવાની માગણી કરી હતી. જોકે રાજકીય નિરીક્ષકો માને છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની આ વ્યૂહાત્મક ચાલ છે.

મે મહિનામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકાર લઘુમતીમાં

પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલુ થઈ હતી. સોમવાર અને મંગળવારે 2 પ્રધાનો સહિત 4 ધારાસભ્યોએ વી. નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 15થી ઘટીને 10 થઈ ગઈ છે. જોકે કોંગ્રેસ ગઠબંધનની વાત કરીએ તો વિધાનસભામાં સરકાર અને વિપક્ષી દળોના ધારાસભ્યોની સંખ્યા 14-14 થઈ ગઈ છે. પુડુચેરી વિધાનસભામાં કુલ 33 સીટ છે, જેમાં 30 પર ચૂંટણી થાય છે, જ્યારે 3 સીટ પર ધારાસભ્યની પસંદગી કરવામાં આવે છે.

રાજીનામું આપનારા ધારાસભ્યોમાંથી 2 ભાજપમાં સામેલ થઈ ગયા છે. સરકારમાંથી 4 ધારાસભ્યો અલગ થયા બાદ વિપક્ષી દળોએ ફ્લોર ટેસ્ટની માગ કરતાં વી. નારાયણસામીના રાજીનામાની માગ કરી છે. રાજ્યમાં આ વર્ષે મે મહિનામાં જ ચૂંટણી થવાની છે.