Kolkata's Rinku hits 5 consecutive sixes in the last over to turn the tide: Gujarat lose
(ANI Photo/ IPL Twitter)

કોલકાતા નાઈટ રાઈડર્સના રીન્કુ સિંઘે છેલ્લી ઓવરની ખૂબજ તંગદિલીભરી સ્થિતિમાં છેલ્લા પાંચ બોલમાં દરેક બોલે – એમ પાંચ છગ્ગા ફટકારી અમદાવાદના રવિવારના આઇપીએલ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને પરાજયનો પહેલો સ્વાદ ચખાડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સનો અણધાર્યો અને અકલ્પનીય વિજય ગુજરાત ટાઈટન્સ માટે એક મોટો આંચકો હતો. કોલકાતાને છેલ્લા પાંચ બોલમાં ૨૮ રનની જરૂર હતી ને મેચમાં ગુજરાતનો વિજય લગભગ નક્કી જણાતો હતો ત્યારે યુવા બોલર યશ દયાલની બોલિંગમાં રીન્કુએ ઝંઝાવાત સર્જ્યો હતો. તેણે ૨૧ બોલમાં ૬ છગ્ગા ને ૧ ચોગ્ગા સાથે ૪૮ રન કરી બાજી પલ્ટી નાંખી હતી. 

૨૦૫ રનનો ટાર્ગેટ કોલકાતાએ છેલ્લા બોલે હાંસલ કરી ૭ વિકેટે ૨૦૭નો સ્કોર કર્યો હતો. ઈજાગ્રસ્ત સુકાની હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરી રહેલા સ્પિન બોલર રાશિદની હેટ્રિક પણ ગુજરાતને વિજેતા બનાવી શકી નહોતી. ગુજરાત ટાઈટન્સ અમદાવાદમાં આ ત્રીજી મેચ રમતાં પહેલીવાર હાર્યું હતું. 

અમદાવાદની આ મેચમાં ચાહકોને ધમાકેદાર ક્રિકેટની મજા માણવા મળી હતી. મેચમાં ૨૨ છગ્ગા અને ૩૩ ચોગ્ગા ફટકારાયા હતા. કુલ ૪૧૧ રનમાંથી આ રીતે ૨૬૪ તો બાઉન્ડ્રી સ્ટ્રોક્સથી જ થયા હતા. કોલકાતા તરફથી વેંકટેશ ઐયરે ૪૦ બોલમાં ૮ ચોગ્ગા ને પાંચ છગ્ગા સાથે ૮૩ તેમજ કેપ્ટન નિતિશ રાણાએ ૨૯ બોલમાં ૪૫ રન કર્યા હતા. રાશિદે ૧૭મી ઓવરમાં પહેલા બોલે આંદ્રે રસેલબીજા બોલે નારાયણ અને ત્રીજા બોલે શાર્દુલ ઠાકુરની વિકેટ ઝડપી હેટટ્રિક લીધી હતી. 

અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ગુજરાતે વિજય શંકરના પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથેના ૨૪ બોલમાં અણનમ ૬૩ રન તેમજ સાઈ સુદર્શનના ૩૮ બોલમાં ૫૩ તેમજ ગીલના ૩૯ રન સાથે ચાર વિકેટે ૨૦૪ કર્યા હતા. સુનિલ નારાયણે ૩૩ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. 

LEAVE A REPLY

1 × 2 =