Sir Starmer
Sir Keir Starmer, Labour Leader (Photo by Hollie Adams/Getty Images)

યુકેમાં નવા કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટને રોકવાના અસ્થાયી અને સાવચેતીનાં પગલાં તરીકે વડા પ્રધાન બોરિસ જૉન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી મંગળવાર તા. 30 નવેમ્બરના સવારના 4 વાગ્યાથી અમલમાં આવે તે રીતે દુકાનો, બેંક, પોસ્ટ ઓફિસ અને હેરડ્રેસર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચહેરો ઢાંકવા એટલે કે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવાના કડક નિયંત્રણોની જાહેરાત કરી હતી.

યુકેએ હવે 10 દેશો – અંગોલા, મોઝામ્બિક, માલાવી, ઝામ્બિયા, દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, લેસોથો, એસ્વાટિની, ઝિમ્બાબ્વે અને નામીબિયાની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત વિદેશથી યુકે પરત ફરતા તમામ પ્રવાસીઓએ તેમની રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વીના યુકે આવતા પહેલા PCR ટેસ્ટ કરાવવો પડશે. જ્યાં સુધી તેઓને નેગેટીવ રીઝલ્ટ ન મળે ત્યાં સુધી તેમણે સેલ્ફ આઇસોલેટ થવું પડશે. આ પીસીઆર ટેસ્ટ્સ ખાનગી પ્રોવાઇડર્સ પાસે કરાવવાના રહેશે અને મફત થતાં NHS ટેસ્ટ્સ માન્ય ગણાશે નહિં.

સરકારે ઓમિક્રોન વેરિઅન્ટની ચર્ચા કરવા માટે યુકેના હેલ્થ લીડર્સની બેઠક બોલાવી છે. બીજી તરફ યુકેના પ્રમુખપદ હેઠળ ઓમિક્રોન પરના વિકાસની ચર્ચા કરવા માટે સોમવારે 29 નવેમ્બરે G7 હેલ્થ મિનિસ્ટર્સની તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી હતી.

નવા વેરિઅન્ટના પ્રસારને રોકવા માટે આ સપ્તાહની શરૂઆતમાં કેટલાક પગલાં ઝડપથી અમલમાં મૂકાયા હતા. જેમાં ઓમિક્રોન વેરિઅન્ટ માટે પોઝીટીવ ટેસ્ટ મેળવનાર કોઈપણ વ્યક્તિના તમામ નજીકના સંપર્કોને 10 દિવસ માટે અલગ રાખવાની જરૂર છે. આ નિયમોની ત્રણ અઠવાડિયામાં સમીક્ષા કરવામાં આવશે. યુકે સરકારે તા. 28ના રોજ જણાવ્યું હતું કે આ કડક નિયંત્રણો દેશમાં શોધાયેલ નવા ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસના પગલે લેવાયા છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે આ પગલાં વૈજ્ઞાનિકોને ઓમિક્રોનના ચેપી અને રસી-પ્રતિરોધક સ્તરનું વિશ્લેષણ કરવા માટે વધુ સમય આપવા માટે રજૂ કરાયા છે અને નવા પગલાં “અઠવાડિયામાં” ફરીથી ઉઠાવી લેવામાં આવશે. આ પગલાં લેવાનું કારણ આપણે કરેલી પ્રગતિને સુરક્ષિત રાખવાનું છે. જેથી આપણે બધા પરિવારો સાથે ક્રિસમસનો આનંદ માણવાનું ચાલુ રાખી શકીએ. મને આશા છે કે આ પ્રતિબંધોને આપણે ત્રણેક અઠવાડિયામાં દૂર કરી શકીશું. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઘણા ઇન્ડોર સેટિંગ્સમાં ચહેરો ઢાંકવો પહેલેથી જ ફરજિયાત છે.’’

નવા પગલાંએ અન્ય ‘લોકડાઉન ક્રિસમસ’નો ભય પેદા કર્યો છે પરંતુ જૉન્સન અને જાવિદ બંનેએ તે ચિંતાઓને ઓછી કરવાનો પ્રયાસ કરી આગ્રહ કર્યો છે કે 2021ના તહેવારોનો સમયગાળો 2020 કરતાં વધુ સારો રહેશે.

ઝડપથી ફેલાતા અને રસીના રક્ષણ સામે આંશિક રીતે ઝીંક ઝીલી શકે તેવી શક્યતા ધરાવતા ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ આ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા તેને ‘ચિંતા કરાવતા વેરિઅન્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. હાલમાં બેલ્જિયમ, ઈઝરાયેલ, હોંગકોંગમાં અને યુરોપમાં 2 તેમજ ઈંગ્લેન્ડમાં તેના 9 કેસ મળી આવ્યા છે. યુકેના બે કિસ્સાઓ દક્ષિણ આફ્રિકામાં મુસાફરી સાથે જોડાયેલા છે, અને દક્ષિણ અને મધ્ય ઇંગ્લેન્ડના આસપાસના વિસ્તારોમાં આ પ્રકાર મળી આવતા ત્યાં લક્ષિત ટેસ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

જોન્સને શનિવારે “બૂસ્ટર ઝુંબેશ’’ને વેગ આપવા માટેની યોજનાની જાહેરાત કરી કહ્યું હતું કે “લોકો તેમની રસી મેળવે તે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે, અને અમે તે બૂસ્ટરને શક્ય તેટલી ઝડપથી હથિયારો તરીકે આગળ લઈ જઈએ છીએ. અમે પહેલેથી જ આગામી ત્રણ અઠવાડિયામાં એકલા ઇંગ્લેન્ડમાં 6 મિલિયન જેબ્સ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. અને હવે અમે વધુ આગળ વધવાનું વિચારી રહ્યા છીએ. તેથી હેલ્થ સેક્રટરી જાવિદે JCVIને બૂસ્ટર આપવાની વિચારણા કરવા જણાવ્યું છે. સરકાર શક્ય તેટલું બીજી માત્રા અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. અમે હજુ સુધી બરાબર જાણતા નથી કે અમારી રસીઓ ઓમિક્રોન સામે કેટલી અસરકારક રહેશે, પરંતુ અમને વિશ્વાસ કરવા માટેના સારા કારણો છે.’’

દરમિયાન, યુકેએ તેના દૈનિક કોરોનાવાયરસ ચેપ દરમાં થોડો ઘટાડો નોંધાવ્યો હતો, જેમાં શનિવારે 39,567 કેસ અને 131 કોવિડ મૃત્યુ નોંધાયા હતા.

નવા બે કેસો ચેમ્સફર્ડ અને નોટિંગહામમાં મળ્યા છે અને તેઓ તેમના પરિવારની સાથે સેલ્ફ આઇસોલેટ થઈ રહ્યા છે. ત્યાં વધુ ટેસ્ટીંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાઇ રહ્યું છે. તેમનું દક્ષિણ આફ્રિકાની મુસાફરી સાથે જોડાણ છે. જો કે હાલમાં, જે લોકોએ ડબલ રસી લીધી છે તેમણે ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ રહ્યા પછી પણ ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી.