વિશ્વભરમાં કોરોના વાઇરસ મહામારીથી બચવા માટે વિકસાવાયેલી રસી લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ રસીથી વિશ્વભરમાં કુલ બે કરોડથી વધુ લોકો મોતના જોખમથી બચી ગયા છે, જ્યારે ભારતમાં 42 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે. બ્રિટનની જાણીતી લેન્સેટ જર્નલના ડિસેમ્બર-2020થી ડિસેમ્બર-2021 સુધીના સ્ટડી રિપોર્ટમાં જાહેર થયેલા આંકડા દ્વારા આ બાબત બહાર આવી છે.
આ સ્ટડી રીપોર્ટ પ્રકાશિત કરનાર સંશોધકોનું કહેવું છે કે, વિશ્વભરમાં કોરોના વાઇરસ મહામારીને કારણે અંદાજે 3.14 કરોડ લોકોના મોત થયા છે. બીજી તરફ, રસીકરણને લીધે 1.98 કરોડ લોકોનું જીવન પણ આ રસીથી બચ્યું છે. આ અભ્યાસમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને 2021ના અંત સુધીમાં રસીના બેથી વધુ ડોઝ સાથે દરેક દેશમાં 40 ટકા વસ્તીના રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોત તો 5,99,300 લોકોના જીવ બચાવી શક્યા હોત.
આ રીસર્ચ સ્ટડી રીપોર્ટના મુખ્ય લેખક ઓલિવર વોટ્સને કહ્યું કે, ભારત માટે અમારું અનુમાન છે કે, આ સમયગાળામાં રસીકરણથી 42થી લાખથી વધુ લોકોના મોતને અટકાવવામાં સફળતા મળી છે. આ મોડેલ સ્ટડીથી જણાયું છે કે ભારતમાં રસીકરણ અભિયાનથી લાખોનું જીવન સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ રસીકરણનો નોંધપાત્ર પ્રભાવ દર્શાવે છે. ખાસ કરીને ભારત, ડેલ્ટા વેરીયન્ટના પ્રભાવનો અનુભવ કરનાર પ્રથમ દેશ હતો. લેન્સેટ સ્ટડી રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના મહામારી દરમિયાન 51 લાખથી વધુ લોકોના મોત થયા છે, પરંતુ કોરોના રસીકરણ અભિયાનથી લાખો લોકોના જીવ પણ બચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહામારીના આરંભથી અત્યાર સુધીમાં ભારતમાં 5,24,941 લોકોના મોત થયા છે. એટલે કહી શકાય કે રસીકરણ ખૂબ અસરકારક સાબિત થઈ, જેનાથી 10 ગણા લોકોના મોત ઓછા થયા છે.