REUTERS/Amit Dave

દારુબંધી ધરાવતા ગુજરાતના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઝેરી શરાબના સેવનથી થયેલા અનેક લોકોના મોતના મુદ્દે ગૃહ વિભાગે ગુરુવારે કડક કાર્યવાહી કરીને કેટલાંક પોલીસ અધિકારીઓનની બદલી કરી હતી અને કેટલાંકને સસ્પેન્ડ કર્યા હતા. બોટાદ એસપી કરણરાજ વાઘેલા તેમજ અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્ર યાદવની ટ્રાન્સફર કરાઈ હતી. ધોળકાના ડીવાયએસપી એન વી પટેલ તેમજ બોટાદના ડીવાયએસપી એસ કે ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા હતા.

આ ઉપરાંત ધંધુકા પીઆઈ કે પી જાડેજા, ધંધુકાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુરેશ ચૌધરી, બરવાળાના પીએસઆઈ બી જી વાળા, રાણપુરના પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરાયો હતો. લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક વધીને 50 થયો હતો અને હજુય કેટલાક દર્દીની હાલત ગંભીર છે.

ગૃહ વિભાગના ઓર્ડર અનુસાર અમદાવાદ ગ્રામ્યમાં આવતા ધોળકા ડિવિઝનના ડીવાયએસપી એન વી પટેલને તેમના કાર્ય વિસ્તારમાં મોટા પાયા પર ઝેરી કેમિકલયુક્ત દારુની ગેરકાયદે હેરાફેરી તેમજ વેચાણ રોકવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમજ ફરજમાં ગંભીર નિષ્કાળજી હોવાથી સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. બોટાદ ડિવિઝનમાં ફરજ બજાવતા ડીવાયએસપી એસ કે ત્રિવેદીને પણ ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ હોવાનું કારણ આપીને સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.