ફાઇલ ફોટો (Photo by NICOLAS ASFOURI/AFP via Getty Images)

વિશ્વની સૌથી મોટી સ્ટીલ અને માઇનિંગ કંપની આર્સેલરમિત્તલ ગુજરાતમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે જણાવ્યું હતું. આર્સેલરમિત્તના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ સાથે બેઠક બાદ રૂપાણીએ આ જાહેરાત કરી હતી. લક્ષ્મી મિત્તલે ગુજરાતની મુલાકાત દરમિયાન 5 માર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરી હતી.

રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે લક્ષ્મી મિત્તલ સહિત ભારત અને વિદેશના તમામ ઉદ્યોગપતિઓ રોકાણ માટે ગુજરાત આવી રહ્યાં છે, કારણ કે તેઓ ગુજરાતને શ્રેષ્ઠ માને છે. લક્ષ્મીમિત્તલ શનિવારે મને મળ્યાં હતા. તેમણે કહ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ગુજરાતમાં આશરે રૂ.50,000 કરોડનું રોકાણ કરશે.

સ્ટીલ કિંગ તરીકે જાણીતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે 5 માર્ચ 2021ના રોજ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લીધી હતી. મિત્તલે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના પ્રવાસન સ્થળ તરીકે કેવડિયાનો વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી ડો રાજીવ કુમાર ગુપ્તાએ આ અંગેની માહિતી આપી હતી અને મિત્તલની મુલાકાતના ફોટોગ્રાફ પણ જારી કર્યાં હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના લશ્કરી દળોના ટોચના અધિકારીઓની વાર્ષિક કોન્ફરન્સને સંબોધન કરવા માટે 5 માર્ચે કેવડિયાની મુલાકાત લીધી હતી.

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મુલાકાત દરમિયાન મિત્તલ શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ એક સૌજન્ય મુલાકાત હતી. મિત્તલ ગાંધીનગરમાં વિધાનસભામાં ગુજરાતના મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાતમાં તેમણે ગુજરાતને મોખરાનું ઔદ્યોગિક રાજ્ય બનાવવા માટે તેમના સૂચિત યોગદાનની વાત કરી હતી.