પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અગ્રણી પ્રોફેશનલ નેટવર્ક લિન્ક્ડઇને હિન્દી પ્લેટફોર્મ લોન્ચ કરીને ગુરુવાર, 2 ડિસેમ્બરે નવો સિમાસ્તંભ સ્થાપ્યો હતો. આ પ્લેટફોર્મ પર ભારતની પ્રથમ પ્રાદેશિક ભાષાની સાથે 600 મિલિયન હિન્દી ભાષી લોકોને સપોર્ટ મળશે. હિન્દી પ્લેટફોર્મના લોન્ચ સાથે લિન્ક્ડઇન હવે વિશ્વની આશરે 25 ભાષામાં ઉપલબ્ધ બની છે.

લિન્ક્ડઇન માટે ભારત એક મહત્ત્વનું માર્કેટ છે. અમેરિકા પછી ભારત લિન્ક્ડઇન માટે મેમ્બર્સની સંખ્યાના સંદર્ભમાં બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. તેના વૈશ્વિક મેમ્બર્સની સંખ્યા 800 મિલિયન છે. તેમાં 82 મિલિયન ભારતીય છે.
હિન્દી ઇન્ટરફેસના લોન્ચિંગ સાથે લિન્ક્ડઇન ભાષાના અવરોધ દૂર કરવા માગે છે. તેનાથી ભારત અને વિશ્વભરના હિન્દી ભાષી લોકોને નેટવર્કિંગ તકનો લાભ મળશે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મેમ્બર્સ હવે હિન્દીમાં કન્ટેન્ટ તૈયાર કરી શકશે. તેઓ ફીડ, પ્રોફાઇલ અને જોબ મેસેસિંગમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ જણાવ્યું હતું કે હિન્દી પ્લેટફોર્મના લોન્ચ સાથે વધુ મેમ્બર્સ અને કસ્ટમર્સ કન્ટેન્ટ, જોબ અને નેટવર્કિંગ મારફત આ પ્લેટફોર્મનું વધુ મૂલ્ય મેળવી શકશે અને પોતાની ભાષામાં અભિવ્યક્તિ કરી શકશે.

હિન્દીમાં લિકન્ડઇનના લોન્ચ સાથે ઇન્ટરનેશનલ કોચ ગૌર ગોપાલ દાસ, સાધુમાંથી ઉદ્યોગસાહસિક બનેલા વિવેક બિન્દ્રા, નીયરબાય.કોમના સ્થાપક અંકુર વારિકુએ તેમની લિન્ક્ડઇન પ્રોફાઇલમાં હિન્દીમાં પ્રથમ પોસ્ટ મૂકી હતી. તેમની પોસ્ટમાં એ ચર્ચા હતી કે હિન્દીને કારણે વિવિધ પૂર્વભૂમિકામાંથી આવતા ભારતીય લોકોને વધુ તક મળશે. યુઝર્સ લિન્ક્ડઇન પર ચાયે પે ચર્ચા કરી શકશે.