પ્રતિક તસવીર (Photo by David Rogers/Getty Images)

હજ્જારો લોકોને મોતના મુખમાં હોમનારા અને સેંકડો લોકોને પથારીવશ કરનાર કાળમુખા કોરોનાવાઇરસ રોગચાળાને કાબુમાં લેવા માટે લાદવામાં આવેલા લોકડાઉન પ્રતિબંધોનો 16 મહિના પછી 19 જુલાઇના ‘આઝાદીના દિવસે’ અંત આણવાનો સરકારે નિર્ણય કર્યો છે. વેલ્સ 15 જુલાઇના રોજ તેના પ્રતિબંધોની સમીક્ષા કરનાર છે. સ્કોટલેન્ડ 19 જુલાઇના રોજ તેના રોડમેપમાં સૌથી નીચા સ્તરના પ્રતિબંધો – લેવલ ઝીરો પર જશે અને 9 ઑગસ્ટથી મોટાભાગના કાનૂની પ્રતિબંધો હટાવશે તેવી ધારણા છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં 26 જુલાઈએ કેટલાક કોવિડ પ્રતિબંધો સરળ થવાના છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં 19 જુલાઇના સોમવારથી રોડ મેપના ચોથા સ્ટેપ મુજબ ઇંગ્લેન્ડમાં બાકી રહેલા તમામ પ્રતિબંધોનો અંત લાવવાની જાહેરાત કરી હતી. જૉન્સને કહ્યું હતું કે ‘’કોરોનાવાઇરસ રોગચાળો તમારા અને તમારા પરિવાર માટે જોખમરૂપ રહેવાનું ચાલુ રાખે છે. આપણે કોવિડ પહેલા જેવું જીવન હતું તેમાં સોમવાર 19 જુલાઈથી તરત જ પાછા ફરી શકીશું નહીં. મને આશા છે કે આ રોડ મેપ ઉલટાવી શકાય તેવો હશે પરંતુ સૌએ સાવધ અભિગમ અપનાવવો પડશે. રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને આપણે આ રોગચાળાની સાથે જ જીવવું પડશે.”

તેમણે સાવધાની અને વ્યક્તિગત જવાબદારી પર ભાર મૂક્યો હતો. નવીનતમ ડેટા અને મૉડેલિંગ દર્શાવે છે કે સરકાર દ્વારા કોવિડ પ્રતિબંધોને સરળ બનાવવા માટેના “ચાર ટેસ્ટ્સ” સફળ રહ્યા છે. અનુક્રમે આ ચાર ટેસ્ટ રસીકરણ, હોસ્પિટલમાં દાખલ થવાનો અને મૃત્યુ દરમાં ઘટાડા માટે રસીકરણની અસરકારકતા, ચેપનો દર, રોગાચાળા પર નવા વેરિયન્ટ્સની વધુ અસર પડતી નથી તે છે.

વડા પ્રધાને ગયા અઠવાડિયે કોવિડના જોખમોનું સંચાલન કરવાની પાંચ-પોઇન્ટ યોજના બનાવી હતી. રસીકરણનો કાર્યક્રમ પણ ચાલુ રહેશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં બધા પુખ્ત વયના લોકોને રસીના બે ડોઝ આપવામાં આવશે. જેસીવીઆઈની સલાહને આધારે સૌથી વધુ સંવેદનશીલ લોકોને વધારાની સુરક્ષા આપતો રસીનો બૂસ્ટર પ્રોગ્રામ સપ્ટેમ્બરથી શરૂ થશે.

હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદે હાઉસ ઑફ કૉમન્સને જણાવ્યું હતું કે ‘’સમરના અંતમાં રોગચાળાના કેસો 100,000 સુધી પહોંચી શકે છે, પરંતુ હું માનતો નથી કે આનાથી એનએચએસ પર અકાળ દબાણ આવશે. રસીકરણે બનાવેલી રક્ષણાત્મક દિવાલથી આપણે ઉનાળાના તરંગનો સામનો કરી શકીશું.’’

જાવિદે જણાવ્યું હતું કે ‘’19 જુલાઇથી તમામ કાનૂની પ્રતિબંધો દૂર કરાશે, પણ કેટલાક માર્ગદર્શન બાકી રહેશે. ઉદાહરણ તરીકે, કેટલાક ઇન્ડોર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાની કાનૂની આવશ્યકતા દૂર કરવામાં આવશે. ભીડભાડવાળા ઇન્ડોર વિસ્તારોમાં પણ લોકો માસ્ક પહેરે તેવી અપેક્ષા રાખવામાં આવશે અને તેનો આગ્રહ રાખવામાં આવશે. માર્ચ 2020 પછી નાઇટક્લબોને પણ પ્રથમ વખત ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે અને તમામ વેન્યુ અને ઇવેન્ટ્સ માટે લોકોની હાજર રહેવાની મર્યાદા દૂર કરવામાં આવશે. હવે કેટલા લોકો હળી-મળી શકે છે તેની કોઈ મર્યાદા રહેશે નહીં. આ ઉપરાંત અરસ પરસ 1 મીટરનું અંતર રાખવાનો નિયમ દૂર કરવામાં આવશે.’’

જાવિદે કહ્યું હતું કે લોકોએ “અંગત જવાબદારી”થી કામ કરવું પડશે અને શક્ય હોય ત્યાં લોકોને બહારના ભાગે મળવાનો પ્રયત્ન કરવો જોઇએ. સરકાર 19 જુલાઇ સુધીમાં દરેક પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્યાંક ધરાવે છે.”

મોટી સંખ્યામાં ભીડ ધરાવતી નાઇટક્લબો અને અન્ય સ્થળોએ કોવિડ સ્ટેટસ સર્ટિફિકેટ – કહેવાતા ઘરેલું વેક્સિન પાસપોર્ટને “સામાજિક જવાબદારી” તરીકે વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. NHS એપ દ્વારા લોકો બતાવી શકશે કે તેમણે બે વખત રસી મેળવેલી છે, નેગેટીવ ટેસ્ટ ધરાવે છે અથવા કોવિડ-19માંથી રીકવર થયેલા છે અને કુદરતી પ્રતિરક્ષા ધરાવે છે. શક્ય હોય ત્યાં ઘરેથી કામ કરવા માટેનું સરકારનું માર્ગદર્શન પણ ઉઠાવી લેવાશે અને ધીમે ધીમે કામ પર પરત ફરવા પ્રોત્સાહન આપવામાં આવશે.

તા. 16 ઑગસ્ટ સુધી એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા સંપર્ક કરાય તેવા સંજોગોમાં આઇસોલેટ થવાનું રહેશે. પરંતુ રસીના બે ડોઝ લેનારા અને 18 વર્ષથી ઓછી વયના લોકો તે પછી માટે રાહત રહેશે. જો કોઈ વાયરસ માટે પોઝીટીવ ટેસ્ટ મેળવશે તો તેમણે કાયદેસર રીતે સેલ્ફ આઇસોલેટ થવું પડશે.

સરકાર હવે લોકોને ઘરેથી કામ કરવાની સૂચના આપતી નથી, લોકોએ કામના સ્થળે ક્રમશ: પાછા ફરવું જોઈએ અને બિઝનેસીસે પ્રકાશિત માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.

રેડ લીસ્ટેડ દેશમાંથી યુકે આવનારા તમામ લોકો માટે અને ડબલ રસી લીધી ન હોય તેવા એમ્બર લીસ્ટના દેશોમાંથી આવનારા લોકો માટેના ક્વોરેન્ટાઇનના નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી.

સરકાર તમામ ડેટા તેમજ શિયાળા જેવા ઉચ્ચ જોખમોની સમીક્ષા કરાશે. જો જરૂરી હોય તો માર્ગદર્શન મજબૂત કરવામાં આવશે, પરંતુ આર્થિક, સામાજિક અને આરોગ્યના નોંધપાત્ર ખર્ચને કારણે શક્ય હોય તો હવે પ્રતિબંધોને ટાળવામાં આવશે. સરકાર આગામી સપ્ટેમ્બર માસમાં હાલના માર્ગદર્શનની સમીક્ષા કરશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલના તરંગની ટોચ ઑગસ્ટ માસના મધ્ય પહેલાં આવે તેવી અપેક્ષા નથી અને તે આવશે ત્યારે દરરોજના 1,000 થી 2,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. સરકારને સલાહ આપતા અંદાજો દર્શાવે છે કે, કોવિડ રોગચાળો શિખર પર હશે ત્યારે રોજ સો-બસો લોકોના મૃત્યુ થવાની ધારણા છે, જોકે રસીકરણની સફળતાને જોતાં તેમાં મોટી સંખ્યામાં અનિશ્ચિતતા આવશે.

લેબર  પક્ષે 19 જુલાઈના રોજ અનલોક કરવાના સરકારના અભિગમને “ઉચ્ચ જોખમ ધરાવતો” અને “જીવલેણ” બની રહેશે તેમ કહી ટીકા કરી હતી. શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશ્વર્થે કૉમન્સમાં સાંસદોને જણાવ્યું હતું કે “સીટ બેલ્ટને ફેંકી દેતી વખતે સાવધાની રાખવાને બદલે હેલ્થ સેક્રેટરી એક્સિલરેટર પર પગ મૂકી રહ્યા છે.”

બ્રિટિશ ચેમ્બર્સ ઑફ કોમર્સે કહ્યું હતું કે ‘’ઘણાં બિઝનેસીસ સરકારના આ પગલાથી “રાહતનો શ્વાસ લેશે.”

12 જુલાઇને સોમવારે, યુકેમાં 34,471 નવા કેસ નોંધાયા હતા તેમજ પોઝીટીવ ટેસ્ટના 28 દિવસની અંદર છ લોકોના મોત નિપજ્યાં હતાં. સતત છઠ્ઠા દિવસે તા. 12ના રોજ 30,000થી વધુ કેસ નોંધાયા હતા. પહેલા ઇંગ્લેન્ડમાં લોકડાઉનનો અંત 21 જૂનના રોજ નિર્ધારિત હતો, પરંતુ સાવચેતી રાખી  વધુ લોકોને રસી આપી શકાય તે માટે તેમાં વિલંબ કરાયો હતો.

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિશ્લેષણ સૂચવે છે કે રસીકરણના કારણે અત્યાર સુધીમાં ફક્ત ઇંગ્લેન્ડમાં જ 8.5 મિલિયન લોકોને ચેપ લાગતો અટક્યો છે અને 30,000 લોકોનાં મોતને અટકાવી શકાયા છે. ફાઇઝર-બાયોએનટેક અથવા ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીનો એક ડોઝ ડેલ્ટા વેરિયન્ટથી ચેપગ્રસ્ત વ્યક્તિની હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતાને 80 ટકા અને બે ડોઝ 96 ટકા ઘટાડે છે.