Long 'waiting' for green cards for Indians
(istockphoto)

અમેરિકાની સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશ આધારિત ક્વોટા સિસ્ટમને કારણે ગ્રીનકાર્ડનો વેઇટિંગનો સમય ઘણો લાંબો થયો છે. જેમાં માત્ર અમેરિકન સંસદ જ ફેરફાર કરી શકે. તાજેતરમાં દેશવાર ક્વોટા મર્યાદાને દૂર કરવાનું એક બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે.

અમેરિકામાં ઇમિગ્રન્ટ ઇશ્યૂ કરવામાં આવતું ગ્રીન કાર્ડ સત્તાવાર રીતે ‘કાયમી નિવાસ કાર્ડ’ તરીકે ઓળખાય છે. દરેક દેશને નિશ્ચિત સંખ્યામાં ગ્રીન કાર્ડની ફાળવણી કરાય છે. ઇમિગ્રેશન કાયદો દર વર્ષે ૧,૪૦,૦૦૦ લોકોને રોજગાર આધારિત ગ્રીન ફાળવવાની મંજૂરી આપે છે. જોકે, તેમાંથી એક જ દેશના લોકોને વાર્ષિક ૭ ટકા જ ગ્રીન કાર્ડની ફાળ‌વણીની જોગવાઈ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ના ડિરેક્ટર ડગ્લસ રેન્ડે જણાવ્યું હતું કે, “કોંગ્રેસે સમગ્ર વિશ્વ માટે ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની વાર્ષિક ૨,૨૬,૦૦૦ની મર્યાદા નિર્ધારિત કરી છે, જ્યારે રોજગાર આધારિત ગ્રીન કાર્ડની વાર્ષિક મર્યાદા ૧,૪૦,૦૦૦ છે. જેમાં ફેમિલી સ્પોન્સર્ડ અને રોજગાર આધારિત પ્રેફરન્સ લિમિટમાં દેશ આધારિત મર્યાદા સાત ટકા રાખવામાં આવી છે. તે સંખ્યા ૨૫,૬૨૦ થાય છે. એટલે ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપિન્સના લોકોને અન્ય દેશોની તુલનામાં ગ્રીન કાર્ડ માટે વધુ રાહ જોવી પડે છે.”

રેન્ડે ભારતીયોને વિઝા અને કોન્સ્યુલર બાબતો અંગેના સંબોધનમાં વિસ્તૃત માહિતી આપી હતી. રેન્ડે કહ્યું હતું કે, “પરિવાર અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડની વાર્ષિક માંગ ૨૫,૬૨૦ કરતાં ઘણી વધુ છે. જોકે, માત્ર કોંગ્રેસ જ સિસ્ટમમાં ફેરફાર કરી શકે.” ઉલ્લેખનીય છે કે, હજારો ભારતીય પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડની રાહ જોતા લગભગ દાયકો વીતી ચૂક્યો છે. રેન્ડે જણાવ્યું હતું કે, “માંગ સતત વધી રહી છે. માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વમાંથી. અમેરિકા રોજગાર આધારિત એડજસ્ટમેન્ટ સ્ટેટસની અરજીના ડેટાની ચોક્સાઇમાં સુધારો કરી રહ્યું છે.” ભારતીયોને ઇશ્યૂ કરાયેલા રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સંખ્યા વર્ષ ૭,૦૦૦-૮,૦૦૦ છે.

LEAVE A REPLY

five × four =