લોર્ડ કમલેશ પટેલ આગામી માર્ચમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકામાંથી રાજીનામું આપનાર છે. 62 વર્ષના લોર્ડ પટેલે નવેમ્બર 2021માં રોજર હટન પાસેથી કટોકટીમાં ક્લબનો કાર્યભાર સંભાળ્યો હતો અને અઝીમ રફીકને સંડોવતા જાતિવાદ કૌભાંડમાં તેમને તપાસ કરવાનું કામ સોંપાયું હતું.

પાકિસ્તાની વંશના ઈંગ્લેન્ડ અંડર-19ના ભૂતપૂર્વ કેપ્ટન અઝીમ રફીકે સપ્ટેમ્બર 2020માં પોતાની સાથે જાતિવાદી વર્તણુંક કરાતી હોવાનું અને યોર્કશાયર ક્લબમાં તેમને બહારના વ્યક્તિ જેવો અનુભવ કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

પટેલની નિમણૂક બાદ, ક્રિકેટના ડિરેક્ટર માર્ટીન મોક્સન અને કોચ એન્ડ્રુ ગેલ સહિત ક્લબની કોચિંગ ટીમના તમામ સભ્યો ચાલ્યા ગયા. પટેલે અન્ય સુધારાઓની સાથે ક્લબમાં વ્હિસલબ્લોઅર હોટલાઇન પણ શરૂ કરી હતી.

વાર્ષિક સામાન્ય સભા (AGM)માં પદ છોડનારા પટેલે જણાવ્યું હતું કે, “આવી પ્રતિષ્ઠિત સંસ્થા માટે કામ કરવું એ એક સન્માન અને વિશેષાધિકારની વાત છે. ક્લબ માટે હજુ ઘણું કરવાનું બાકી છે, પરંતુ મને દ્રઢ વિશ્વાસ છે કે યોર્કશાયર લાંબા ગાળા માટે ઇંગ્લિશ ક્રિકેટના શિખર પર પાછું આવશે.”

યોર્કશાયરના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન વોને જણાવ્યું હતું કે ‘’પટેલે ક્લબમાં તેમના કાર્યકાળ દરમિયાન જે કંઈ મેળવ્યું છે તેના પર તેમને ગર્વ હોવો જોઈએ. સમાનતા, વિવિધતા અને સર્વસમાવેશકતા અમારી ક્લબના હાર્દમાં છે અને અર્થપૂર્ણ પરિવર્તનની આ યાત્રા ચાલુ રાખવા માટે હું બોર્ડ, એક્ઝિક્યુટિવ ટીમ અને નવા અધ્યક્ષ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.”

LEAVE A REPLY

18 − 4 =