Lord Ram's Values Sabka Saath Sabka Inspiration for Development: Modi

રામ નગરી અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ 23 ઓક્ટોબરે દિપોત્સવમાં સામેલ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભગવાન રામનું શાસન તેમની સરકારના “સબકા સાથ, સબકા વિકાસ” મંત્ર પાછળની પ્રેરણા છે. મોદીએ રામ કથા પાર્ક ખાતે તેમના સંબોધનમાં ભગવાન રામ સાથે ભાજપ સરકારના સર્વગ્રાહી વિકાસના મંત્રને જોડ્યો હતો. મોદીએ રામ કી પૌડી ખાતે પણ બીજું ટૂંકું સંબોધન કર્યું હતું. અહીં સરયૂ નદી કિનારે રેકોર્ડ 15.76 લાખ દીવા સ્વયંસેવકો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા.વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતે મધ્યયુગ સમયથી આધુનિક યુગ સુધી સંખ્યાબંધ અંધકાર યુગનો સામનો કર્યો હતો. મુખ્ય સંસ્કૃતિઓ સુર્યાસ્ત થયો છે, પરંતુ ભારતનો દીવો સતત ઝળહળતો અને પ્રકાશ આપતો હતો.

બંધારણની અસલ નકલ પર ભગવાન રામ, તેમના ભાઈ લક્ષ્મણ અને માતા સીતાનું ચિત્ર અંકિત હોવાનું ભારપૂર્વક જણાવતા તેમણે કહ્યું હતું કે તે આપણા બંધારણીય અધિકારોની બીજી ગેરંટી છે. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય નિભાવવાનો સંકલ્પ જેટલો મજબૂત થશે એટલો રામ રાજ્યનું સપનું વધુ સાકાર થશે.રામ કોઈને પાછળ છોડતા નથી, રામ ક્યારેય તેમની ફરજોથી પાછી પાની કરતાં નથી. આપણે આપણા સંકલ્પને દ્રઢ કરવા પડશે. આપણે શ્રી રામ પાસેથી જેટલું શીખી શકીએ તેટલું શીખવું પડશે.

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ભગવાન રામે તેમના વચનો, વિચારો અને રાજ દ્વારા સ્થાપિત કરેલા મૂલ્યો ‘સબકા સાથ, સબકા વિકાસ’ની પ્રેરણા છે. ભગવાન રામના આદર્શો આગામી 25 વર્ષમાં વિકસિત ભારતની આકાંક્ષા રાખનારા લોકો માટે પ્રકાશની દીવાદાંડી છે અને તે સૌથી મુશ્કેલ લક્ષ્યો હાંસલ કરવાની હિંમત આપે છે. ભગવાન રામના આદર્શોનું પાલન કરવું એ આપણા તમામની ફરજ છે. આપણે તેમના આદર્શોને સતત જીવવા પડશે અને તેને જીવનમાં લાગુ કરવા પડશે.

ભગવાન રામના આશાર્વાદથી દર્શન કરવાની તક મળી હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે મને ખુશી છે કે અયોધ્યા, સમગ્ર યુપી અને વિશ્વના લોકો આ ઘટનાના સાક્ષી છે. આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યા છીએ ત્યારે ભગવાન રામ જેવો સંકલ્પ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

કોઈનું નામ લીધા વિના મોદીએ જણાવ્યું હતું કે “એક સમય એવો હતો કે જ્યારે ભગવાન રામ, આપણી સંસ્કૃતિ અને સભ્યતા અંગે બોલવાનું ટાળવામાં આવતું હતું. આ દેશમાં રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા.આનું શું પરિણામ આવ્યું? અમારા ધાર્મિક, સાંસ્કૃતિક સ્થળો અને શહેરો વિકાસની દોડમાં પાછળ રહી ગયા. આપણે અયોધ્યાના રામ ઘાટ પર આવતા હતા, ત્યારે આપણને દુર્દશા જોઈને દુઃખ થતું હતું. કાશીની સાંકડી અને ગંદી શેરીઓ આપણને પરેશાન કરતી હતી.

આધ્યાત્મિક વારસાની જાળવણી માટે સરકારે કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં દેશે લઘુતાગ્રંથિના બંધનોને તોડી નાખ્યા છે. અમે ભારતના તીર્થ સ્થાનોના વિકાસની સર્વગ્રાહી યોજના આગળ ધપાવી છે. અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડ રૂપિયાની નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અયોધ્યા ભારતના સાંસ્કૃતિક કાયાકલ્પના સુવર્ણ અધ્યાયનું પ્રતિબિંબ છે. રસ્તાઓ વિકસાવવામાં આવી રહી છે. ઘાટોનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાનો વિકાસ નવા આયામોને સ્પર્શી રહ્યો છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનની સાથે વિશ્વ કક્ષાનું એરપોર્ટ પણ બનાવવામાં આવશે. સમગ્ર પ્રદેશને કનેક્ટિવિટીનો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનનો લાભ મળશે.

 

LEAVE A REPLY

nine − 1 =