. (BCCI/PTI Photo)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં સોમવારે ત્રીજા દિવસના અંતે ભારતની સ્થિતિ મજબૂત બની હતી. ભારતે મેચ જીતવા માટે ઇંગ્લેન્ડને 482 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની બાવન રનમાં ત્રણ વિકેટ પડી હતી.

બોલિંગમાં તરખાટ મચાવ્યા બાદ રવિચંદ્રન અશ્વિને બેટિંગમાં પણ કમાલ કરીને સદી ફટકારી હતી જેની મદદથી ભારતે પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમ સામે 482 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે 53 રનમાં તેની 3 વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના અંતે જો રૂટ 2 તથા ડેનિયલ લોરેન્સ 19 રને રમતમાં હતા.. ઈંગ્લેન્ડ હજી 429 રન પાછળ છે જ્યારે ભારત જીતથી સાત વિકેટ દૂર છે. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 134 રનમાં સમેટી લીધા બાદ બીજા દાવમાં ભારત 286 રનમાં આઉટ થઈ ગયું હતું. અશ્વિને 106 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. અગાઉ ભારતે પ્રથમ દાવમાં 329 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

બીજા દાવમાં ભારતના સ્ટાર બેટ્સમેનો કોઈ કમાલ કરી શક્યા ન હતા ત્યારે અશ્વિને બાજી સંભાળી હતી અને સદી નોંધાવીને ઈંગ્લેન્ડ સામે વિશાળ લક્ષ્યાંક મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે ભારતે 106 રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ લોકલ હિરો અશ્વિને એક છેડો જાળવી રાખ્યો હતો અને ઈંગ્લેન્ડના બોલર્સને હંફાવ્યા હતા. અશ્વિને 148 બોલનો સામનો કરતા 106 રન નોંધાવ્યા હતા જેમાં 14 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.