મુંબઈમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોવા છતાં લોકો બીચ પર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. REUTERS/Francis Mascarenhas

મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં અસાધારણ વધારાને પગલે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં વીકેન્ડ લોકડાઉનનો સહિત આકરા નિર્ણયો લીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં બીજા લોકડાઉનની શક્યતા પણ નકારી ન હતી.

મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આનો અર્થ એવો થાય છે કે સમગ્ર રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે અને આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાઇરસના નવા આશરે 50,000 કેસ નોંધાયા હતા, જે સમગ્ર દિવસમાં એક દિવસે નોંધાયેલા કેસના આશરે 60 ટકા હતા. શુક્રવારે રાજ્યમાં 48,000 કેસ નોંધાયા હતા. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રવિવારે આશરે 11,000 નવા કેસ નોંધાયા હતા, જે કોરોના મહામારી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. શનિવારે મુંબઈમાં આશરે 9,000 નવા કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યમાં 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય, પરંતુ પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોને લઈને પણ કડક નિયમો બનાવાયા છે. મોલ્સ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. જે મુજબ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ, જરૂરી સેવાઓમાં કામ કરતા લોકોને જ રાત્રે નીકળવાની મંજૂરી રહેશે. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ રહેશે. જોકે, પેકિંગ સુવિધા ચાલુ રહેશે. તે ઉપરાંત મોટા શૂટિંગ માટે મંજૂરી નહીં અપાય. સિનેમા ઘર બંધ રહેશે. વેપાર-ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે. સરકારી ઓફિસો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. શાકમાર્કેટ બંધ નહીં કરાવાય, પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષા, ટેક્સી અને ટ્રેન સેવા બંધ નહીં કરવામાં તેવી પણ જાહેરાત કરાઈ છે.