મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલની ફાઇલ તસવીર(ANI Photo)

મહારાષ્ટ્રમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાના 44,000થી વધુ કેસ નોંધાતા 10 જાન્યુઆરીથી મિનિ લોકડાઉન જેવા નિયંત્રણો અમલી બન્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના સિવાયની સ્કૂલો બંધ કરવામાં આવી છે અને રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

બગીચાઓ, મેદાનો, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. હેર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. સરકારી ઓફિસોમાં ઓફિસના વડાની લેખિત પરવાનગી વગર કોઇને પ્રવેશ નહીં મળે.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રવૃત્તિઓ અને શિક્ષકોની વહીવટી પ્રવૃત્તિઓ સિવાય શાળાઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. લગ્ન અને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા રાજકીય કાર્યોમાં લોકોની મહત્તમ મર્યાદા 50 નક્કી કરવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.