Mahaveer-Foundation-Paryushan

હેરો સ્થિત મહાવીર ફાઉન્ડેશન દ્વારા જૈનોના સૌથી મહત્વપૂર્ણ તહેવાર પર્યુષણ મહાપર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે તા. 24મી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ દરમિયાન કિંગ્સબરીની પ્રતિષ્ઠિત JFS સ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વૃદ્ધોએ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

આ ઉજવણી માટે ભારતમાંથી બે ગાયકો / વિધિકારો હર્ષિલ અને મોક્ષીતને ખાસ આમંત્રિત કરાયા હતા. જેમણે  મોટાભાગની વિધિઓનું સંચાલન કર્યું હતું અને દરરોજ રાત્રે સુંદર ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. સમગ્ર સમયગાળા દરમિયાન 557 કેન્ટન રોડ ખાતેનું મંદિર ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું અને જૈનોએ મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી દહેરાસરના દર્શન, પૂજા, આરતી અને મંગલ દિવો કર્યો હતો. તો મંદિરની બાજુમાં આવેલી મિલકતમાં ધાર્મિક પ્રવચનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં જૈન પરિવારે જેએફએસ સ્કૂલમાં દરરોજ સાંજે પ્રતિક્રમણ અને ધાર્મિક ભક્તિ-ગીતોના સત્રોનો લાભ લીધો હતો.

રવિવાર, 28મી ઓગસ્ટના રોજ મહાવીર જન્મ વાંચન દિવસની ઉજવણી કરાઇ હતી અને ધાર્મિક પુસ્તક કલ્પ સૂત્રનું વાંચન કરાયું હતું. માતા ત્રિશલાના 14 સપનાઓને મોટી રકમની બોલી લગાવનાર ભાગ્યશાળી લોકો દ્વારા પ્રદર્શિત અને અભિષેક કરાયા હતા. પવિત્ર ગ્રંથ કલ્પ સૂત્ર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સૌએ સ્વામી-વાત્સલ્ય રાત્રિભોજનનો લાભ લીધો હતો.

તહેવારના છેલ્લે દિવસે સંવત્સરીના રોજ ત્રણ કલાક ચાલેલા પ્રતિક્રમણમાં જોડાઇને સૌએ આખા વર્ષ દરમિયાન જાણતા કે આજાણતા કરેલી ભૂલોની માફી માંગી હતી. આ જ કારણ છે કે પર્યુષણને ‘ક્ષમાનો તહેવાર’ પણ કહેવામાં આવે છે.

પર્યુષણ પૂર્ણ થયા પછી 4 સપ્ટેમ્બરના રોજ સૌએ ફરીથી સ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો. તે પહેલા મહા લક્ષ્મી માતાના પૂજનનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ ઉજવણીની સફળતાનું શ્રેય સંસ્થાના પ્રમુખ નિરજ સુતરિયા અને તેમની સમર્પિત સમિતિના સભ્યો, દાતાઓ અને સ્વયંસેવકોને જાય છે. જૈનો પર્યુષણના આઠ દિવસ દરમિયાન ઉપવાસ, ધ્યાન અને ધાર્મિક વિધિઓ કરે છે.

LEAVE A REPLY

five × 3 =