પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (PTI Photo)

ગુજરાતમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશનો સંકેત આપતા મમતા બેનર્જીએ 21 જુલાઈ રાજ્યમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસ દ્વારા 21 જુલાઈએ આયોજિત શહીદ દિન કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોમાં સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ દેશને અંધકારમાં લઈ ગઈ છે, કેન્દ્રની સત્તાથી તેને બહાર નહીં કરી દઈએ ત્યાં સુધી ‘ખેલા હોબે’. મમતા બેનર્જીએ 16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા. 11 કાર્યકરોનાં મોત બાદ 21 જુલાઈના દિવસે TMC દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 21 જુલાઈએ TMC દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે કાર્યક્રમ યોજાયો છે, પરંતુ આ વર્ષના કાર્યક્રમમાં ગુજરાતને પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં આ પ્રસારણ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સ્થળોએ બિગ સ્ક્રિન મૂકવામાં આવી હતી. સોશિયલ મિડીયા પર પણ દીદીના વર્ચ્યુઅલ સબોધનને લઇને પોસ્ટર વાયરલ કરાયા હતા. આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર લાગ્યા હતા.
ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપ સક્રિય થયુ છે જેના કારણે ભાજપે અત્યારથી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવી પડી છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત ચુક્યા છે, ત્યારે હવે વધુ એક નવા રાજકીય પક્ષે પણ ગુજરાત તરફ નજર માંડી છે.