ઇન્ડિયન પ્રીમિયમ લીગ 2021ની ટ્રોફી (ANI Photo/IPL Twitter)

વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક અને સંચાલક ગ્લેઝર પરિવારે ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ)માં રસ દાખવ્યો છે. ઇંગ્લિશ પ્રીમિયમ લીગની આ જાણીતા ક્લબના અમેરિકા સ્થિત માલિકોએ એક પ્રાઇવેટ ઇક્વિટી કંપની મારફત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીસીઆઇ)એ જારી કરેલા ઇન્વિટેશન ટુ ટેન્ડર (ITT) ખરીદ્યુ હોવાનું માનવામાં આવે છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

માન્સેચેસ્ટર યુનાઈટેડ વિશ્વની સૌથી જાણીતી ફૂટબોલ ક્લબ છે અને આઇપીએલ ક્રિકેટની સૌથી મોંઘી અને મોટી ટુર્નામેન્ટ છે. માન્ચેસ્ટર યુનાઇટેડના માલિકો વિશ્વની સૌથી મૂલ્યવાન ટી-20 લીગની ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે.

ગ્લેઝર પરિવારે એક પ્રાઈવેટ ઈક્વિટી કંપની થકી આઈપીએલ ટીમ ખરીદવામાં રસ બતાવ્યો છે. કંપની આઈપીએલમાં થનારી બે ટીમની હરાજીની કાર્યવાહી પર નજર રાખી રહી છે. ભારતના ક્રિકેટ બોર્ડે આ ટીમો ખરીદવા માટેના ટેન્ડરની તારીખ તાજેતરમાં લંબાવી હતી. જેમાં ટીમની હરાજી સાથે સંકળાયેલા દસ્તાવેજ 20 ઓક્ટોબર સુધી ખરીદવાના હતા. હવે 25 ઓકટોબરે બે નવી ટીમો અંગે જાહેરાત કરવામાં આવશે.

નવા નિયમોમાં વિદેશી કંપનીઓને પણ ટીમ ખરીદવા માટે મંજૂરી છે. આ અહેવાલમાં કહેવાયુ છે કે, માન્ચેસ્ટર યુનાઈટેડે હરાજીને લગતા દસ્તાવેજો ખરીદયા છે. પણ હવે તે બોલીમાં સામેલ થાય છે કે કેમ તે જોવાનુ રહેશે.
નવી ટીમો ખરીદવામાં અદાણી ગ્રૂપ, ટોરેન્ટ ફાર્મા, અરવિન્દો ફાર્મા, આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રુવાલા રેસમાં છે.

નવી ટીમોના યજમાન તરીકે અમદાવાદ, લખનૌ, ગૌહાટી, ઈન્દરો, કટક અને ધર્મશાળા જેવા શહેરો આગળ છે. આ પૈકીના બે શહેરોને નવી બે ટીમો સાથે જોડવામાં આવશે. જેમાં અમદાવાદનુ નામ મોખરે ચાલી રહ્યુ છે.